તાજેતરમાં મે 17 અને 18ના રોજ સૌરાષ્ટ્રમાં દિવ અને ઉનાની વચ્ચે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતને વિવિધ ક્ષેત્રમાં 9836 કરોડનું નુકસાન થયું હોવા અંગેનું એક વિસ્તૃત આવેદનપત્ર રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલીને સહાય માંગી છે. વાવાઝોડાના કારણે પુનર્વસનના કામે તેમજ માળખાકિય સુવિધા વિકસાવવા માટે આ ખર્ચને પણ ધ્યાને લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકસાની સામે પૂર્વવત સ્થિતિ માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજૂઆતો કરી છે. વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકસાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નુકસાનન સામે ભારત સરકાર પાસે NDRFના ધોરણે રૂ. ૯૮૩૬ કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરી છે.
રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ રજૂ કરેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ તાઉતે વાવાઝોડું રાજ્યમાં પાછલા પ૦ વર્ષમાં આવેલા તમામ વાવાઝોડાથી વધુ તીવ્ર અને માલ-મિલ્કતને વ્યાપક તારાજી સર્જનારૂં હતું. કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકસાન મળીને કુલ રૂા. ૯૮૩૬ કરોડનું નુકસાન થયું છે.
તે પૂર્વવત કરવા ગુજરાતને આટલા રૂપિયાની જરૂરિયાત છે આ સહાય ઉપરાંત રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. પ૦૦ કરોડની વધારાની સહાયની માંગણી કરી છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા-જાયન્ટ ક્રેઇન ટાવર્સ, વીજળીના થાંભલાઓ, પાકા મકાનો વગેરે મોટી સંખ્યામાં જમીનદોસ્ત થઇ ગયા છે.
એટલું જ નહિ, ખેતીવાડી-બાગાયતી પાકોના વૃક્ષો ધરાશાયી થવા, મૂળમાંથી જ ઉખડી જવા જેવા વિનાશથી આ તાઉતે વાવાઝોડાની વિકરાળતાનો ખ્યાલ આવી જાય છે. રાજ્યમાં હવાઈપટ્ટીઓ, વીજ, સિંચાઈ અને જળ વિતરણ સહિતના આંતરમાળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. કૃષિ અને પાક વાવેતરમાં પણ મોટું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત વિવિધ જિલ્લાઓમાં પશુધનની મોટાપાયે જાનહાનિ થવા પામી છે. પશુપાલન સબંધિત પ્રવૃત્તિઓને ભારે ફટકો પડ્યો છે.