ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ રાજય સરકારે (Gujarat Government) આ વખતે આઇ.ટી.આઇ. (ITI) અને નર્સિંગના (Nursing) વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass promotion) આપવાનો નિર્ણય લીધો છે. જોકે નર્સિંગના ફાઈનલ વર્ષનાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો સરકારે નિર્ણય કર્યો છે. તે સિવાયનાં નર્સિંગ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. જણાવી દઈએ કે અગાઉ રાજય સરકારે ધો -10 અને ધો -12ના વિદ્યા્રથીઓને પણ માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે આઈટીઆઈ અને નર્સિંગના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ટાળી દેવાઈ છે.
ગાંધીનગરમાં આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મુજબ રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવામાં આવશે. બેઠકમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ ઇયરની પરીક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે.
ધોરણ 10નાં વિદ્યાર્થીઓનાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં માસ પ્રમોશન શબ્દનો ઉલ્લેખ કરાશે
રાજ્યમાં કોરોનાની મહામારીના પગલે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓને આપવામાં આવતા લિવિંગ સર્ટિફિકેટ (શાળા છોડયાના પ્રમાણપત્ર)માં માસ પ્રમોશન લખવામાં આવશે. ધોરણ 10 ની પરીક્ષાની માર્કશીટમાં બોર્ડ દ્વારા નક્કી કરાયેલી પદ્ધતિના આધારે માર્ક્સ દર્શાવવામાં આવશે, પરંતુ ધોરણ 10 પછી વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ધોરણ 10મા માસ પ્રમોશન શબ્દનો ઉલ્લેખ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ બોર્ડ દ્વારા તમામ શાળાઓના આચાર્યોને આ અંગેની માહિતી પહોંચાડવામાં આવી છે.