દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે 5 વાગ્યે તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના કરોડો યુવાનોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે આગામી તા. ૨૧ મી જુનથી દેશભરમાં વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે તેને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે આવકાર્યો છે.
તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના આ નિર્ણયને કારણે રાજ્યના ૩.૫ કરોડથી વધુ યુવાનોને કોરોનાની રસી વિનામૂલ્યે આપી સુરક્ષીત કરાશે. અત્યાર સુધી ૧૮ થી ૪૫ વર્ષના યુવાનોને આપવામાં આવતી રસીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા તેના ભંડોળમાંથી કરવામાં આવતો હતો. રસીના બંને ડોઝ માટે અંદાજે રૂ. ૭૦૦થી વધુનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવતો હતો પરંતુ દેશના કરોડો લોકોના હિતમાં કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાનના આ નિર્ણયને કારણે રાજ્ય સરકારને આર્થિક રીતે મોટો ફાયદો થશે.
તેમણે કહ્યું હતું કે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોને ૨૧ મી જુનથી વિનામૂલ્યે રસી આપવાની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ગોઠવવામાં આવશે તે મુજબ ગુજરાતમાં પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવી રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાશે.
પટેલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો પર અત્યારે ત્રણ માસ માટે વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનું નક્કી કરાયુ છે તે દિવાળી સુધી લંબાવવાનો પણ નિર્ણય કર્યો છે તે પણ આવકારદાયક છે.