નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 7 જુન એટલેકે સોમવારે સાંજે 5 કલાકે દેશવાસીઓને સંબોધન (Adress) કર્યું હતું. કોરોનાકાળમાં 15 મહિનામાં નવમી વાર તેમણે દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનનો મુખ્ય ઉદ્દેશ્ય વેક્સિનેશ હતું. વેક્સિનેશનની પ્રક્રિયા દેશમાં વધુને વધુ વેગવાન બનાવવા અંગે તેમણે આશા વ્યક્ત કરી હતી. સાથેજ તેમણે જાહેરાત કરી હતી કે 21 જુનથી દેશમાં 18 વર્ષથી ઉપરના બધા જ લોકો માટે ભારત સરકાર ફ્રી વેક્સિન (Free Vaccination) આપવામાં આવશે. આ માટે ભારત સરકાર તમામ રાજ્યોને નિશુલ્ક વેક્સિન આપશે. એટલું જ નહીં દરેક રાજ્યોને ક્યારે અને કેટલો વેક્સિનનો જથ્થો મળશે તે પણ રાજ્યોને જણાવવામાં આવશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે સરકારે આજે નિર્ણય લીધો છે કે હવે દીવાળી એટલેકે નવેમ્બર સુધી 80 કરોડ દેશવાસીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિશુલ્ક અનાજ આપવામાં આવશે.
પીએમ મોદીએ જણાવ્યું કે દેશમાં 23 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપી દેવાઈ છે. આજે દેશમાં 7 કંપનીઓ વિવિધ પ્રકારની વેક્સિનનો પ્રયોગ કરી રહી છે. 3 અન્ય કંપનીઓનું ટ્રાયલ ચાલી રહ્યું છે. નાના બાળકો માટે પણ વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. દેશમાં નેઝલ વેક્સિન પરથી રિસર્ચ ચલી રહ્યું છે. અમે વેક્સિન નિર્માતાઓને ક્લીનિકલ ટ્રાયલ માટે મદદ કરી, મિશન કોવિડનાં માધ્યમથી તેઓને હજારો કરોડ રુપિયાની મદદ કરવામાં આવી.
તેમણે કહ્યું કે દેશમાં બની રહેલી વેક્સિનમાંથી 25 ટકા, ખાનગી સેક્ટરની હોસ્પિટલ સીધી લઈ શકે તે વ્યવસ્થા જારી રહેશે. ખાનગી હોસ્પિટલ વેક્સિનની નક્કી કિંમત પર પ્રતિ ડોઝ વધુમાં વધુ 150 રૂપિયા સર્વિસ ચાર્જ લઈ શકશે. તેનું ધ્યાન રાખવાની જવાબદારી રાજ્ય સરકારો પાસે રહેશે. 21 જૂન, સોમવારથી દેશના દરેક રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના બધા નાગરિકો માટે ભારત સરકાર રાજ્યોને ફ્રી વેક્સિન આપશે. વેક્સિન નિર્માતાઓ પાસેથી કુલ વેક્સિન ઉત્પાદનના 75 ટકાની ખરીદી ભારત સરકાર કરી રાજ્યોને ફ્રી આપશે. દેશની કોઈ રાજ્ય સરકારે વેક્સિન પર પૈસા ખર્ચ કરવા પડશે નહીં. અત્યાર સુધી દેશના કરોડો લોકોને ફ્રી વેક્સિન મળી છે. હવે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ તેમાં જોડાશે. તમામ દેશવાસીઓ માટે ભારત સરકાર ફ્રી વેક્સિન ઉપલબ્ધ કરાવશે.
2014માં જ્યારે દેશને ભાજપને સેવાનો મોકો આપ્યો ત્યારે વિવિધ બીમારીઓ માટેની વેક્સિનેસનની પ્રક્રિયાની ગતિ ફક્ત 60 ટકા જ હતી જે ચિંતાની વાત હતી. છેલ્લા 50-60 વર્ષનો ઈતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે ભારતને વિદેશથી વેક્સિન પ્રાપ્ત કરવામાં દાયકાઓ લાગી જતા હતા. વિદેશોમાં વેક્સિનનું કામ પૂરુ થયા બાદ પણ આપણા દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ શક્તું ન હતું. આજે વિશ્વમાં વેક્સિન માટે જે માંગ છે, તેની તુલનામાં ઉત્પાદન કરનાર દેશ અને વેક્સિન બનાવતી કંપનીઓ ઓછી છે. કલ્પના કરો કે હાલ આપણી પાસે ભારતમાં બનેલી વેક્સિન ન હોત તો આજે ભારત જેવા વિશાળ દેશમાં શું સ્થિતિ હોત?
સેકેન્ડ વેવ દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં મેડિકલ ઓક્સિજનની માંગમાં અકલ્પનીય રૂપથી વધારો થયો. ભારતના ઈતિહાસમાં ક્યારેય આટલી માત્રામાં મેડિકલ ઓક્સિજનની જરૂરીયાત ઉભી થઈ નથી. આ જરૂરીયાત પૂરી કરવા માટે યુદ્ધ સ્તર પર કામ કરવામાં આવ્યું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે વેક્સિનને લઈને જે લોકો દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે તેઓ દેશની ભોળી પ્રજા સાથે રમત રમી રહ્યા છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી જેવા અદૃશ્ય અને રૂપ બદલતા શત્રુને નાથવા માટે કોવિડ પ્રોટોકોલ જ સૌથી મોટું હથિયાર છે. માસ્ક, સામાજિક અંતર અને અન્ય ગાઈડલાઈનને અનુસરીને સતર્ક રહેવું જોઈએ.