કોરોનાના કપરા કાળમાં શરૂઆતથી જ શિક્ષણ જગત ખુબ ચર્ચામાં રહ્યું છે. આવનારા અમુક વર્ષોમાં કોરોના તો નાબુદ થઇ શકે પરંતુ શિક્ષણક્ષેત્રે અને બાળકોના ભવિષ્યને થયેલું પારાવાર નુકશાન આપણને હરહંમેશ યાદ રહેશે. ઓનલાઇન ઓફલાઇનની ચર્ચાથી માંડીને પરીક્ષા અને માસ-પ્રમોશન અંગેના નિર્ણયમાં બિચારો બાળક જ હોમાયો છે. ધોરણ ૧ થી ૯ માં માસ – પ્રમોશન સમજાય પરંતુ એસ.એસ.સી.માં માસ પ્રમોશન અને એચ.એસ.સી. ની પરીક્ષા રદ! આ નિર્ણયો ભવિષ્યમાં ભુલભરેલા સાબિત થઇ શકે. જેમણે માત્ર પાસ થવુ છે એમણે નહિ પરંતુ જેમણે કારકિર્દી બનાવવી છે અને આખું વર્ષ ખુબ મહેનત કરી છે એને ભારે નુકશાન છે.
કારકિર્દીના પ્રથમ પગથિયે જ પરીક્ષાઓ ન લેવાના સરકારના ઉતાવળીયા નિર્ણયથી દ્વીધા અનુભવાય એ સામાન્ય છે. આખુ વર્ષ ઓનલાઇનની માયાજાળ અને અંતે પરીક્ષા રદ! જો જેઇઇ અને નીટની પરીક્ષા લઇ શકાતી હોય તો બોર્ડની પરીક્ષા કેમ નહી? પરંતુ હવે જયારે આ નિર્ણય લેવાય જ ગયો છે તો પછી આટલા બધા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અને પરિણામ અને મેરીટ અંગેના યોગ્ય નિયમો બનાવવા પડશે. કારણકે પરીક્ષાઓ રદ થઇ છે. પરંતુ આગળ પ્રવેશ લેવા માટે પરિણામ તો આપવું પડશે. હવે પરિણામ કઇ રીતે અપાય એ જોવું રહ્યું. ખેર હાલના બાળકોના સ્વાસ્થ્યને સાચવવા આ નિર્ણય લેવાયો છે. પરંતુ ભવિષ્યમાં આપણા સ્વાસ્થ્યને કોણ સાચવશે! ભવિષ્યમાં આપણને કેટલી અને કેવી ક્ષમતા ધરાવતા ડોકટરો અને એન્જિનિયરો મળશે એ તો દેખાય જ રહ્યું છે!
અમરોલી – પાયલ વી. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.