એક પાળેલો પોપટ ઘણા સમયથી પાંજરામાં રહેતો હતો. એનું પિંજર જે મકાનના રૂમમાં લટકતું હતું, તેની બારી સામે જરા દૂર એક મોટું વૃક્ષ હતું. જયાં સવાર સાંજ અનેક પક્ષીઓ આવતાં, એમાં કેટલાક પોપટ પણ આવતા અને પક્ષીઓના કલરવથી વાતાવરણ ગૂંજી ઊઠતું. પિંજરાનો પોપટ એ વૃક્ષ પર આવતાં પક્ષીઓ અને પોપટને રોજ જોતો. બહારના પોપટ બોલે એટલે એ પણ બોલવા લાગતો. પેલા પોપટ ઝાડ છોડી જતા રહે એટલે આ પિંજરાનો પોપટ નિરાશ થઇ જતો અને શાંત થઇ જતો. એને પિંજરામાં સરસ ખાવાનું મળતું, ખાવાનું શોધવાયે જવું પડતું નહતું. પણ એ સૂકાતો જતો હતો.
એને પુરાયેલા હોવાનું દુ:ખ હતું. એક દિવસ બન્યું એવું કે, એનું પાંજરું એના માલિકની ભૂલથી ખુલ્લું રહી ગયું, એ બાબત પોપટના ધ્યાનમાં આવતાં, એણે ડોકું બહાર કાઢી ખાતરી કરી લીધી કે પાંજરાનું દ્વાર ખુલ્લું જ છે. થોડો વિચાર કર્યો, પછી હિંમત કરી એ પાંજરાની બહાર નીકળી ગયો. બહાર નીકળી ઊડવાનો પ્રયત્ન કર્યો, પણ વધુ ઉડાતું ન હતું. ફરી થોડો પ્રયત્ન કર્યો એટલે થોડું વધુ ઊડી શકયો, એ પિંજરમાં વધુ સમય રહેવાને કારણે ઊડવાનું ભૂલી ગયો હતો, કે એની હિંમત ઓછી થઇ ગઇ હતી.
ઝાડ ઉપર બેઠેલા એને જોઇને ખૂબ બોલવા લાગ્યા, આ પોપટને હિંમત આવી ગઇ, પોતાની બધી તાકાત ભેગી કરી એ ઊડયો, અને પેલા ઝાડ પર જઇ બેઠો. ત્યાં સુધી પહોંચી શકાયું એટલે એ ખુશ થયો અને એ પણ આનંદમાં આવી બોલતો રહયો, બીજા પોપટ ત્યાંથી ઊડયા એટલે એ પણ ઊડયો અને દૂર દૂર સુધી જતો રહયો. પછી તો એ પાંજરું અને પાંજરાનું દુ:ખ કે બંધન બધું જ ભૂલી ગયો. હવે તો એને રોજ ઊડવામાં આનંદ મળતો. એને આકાશ પણ ઓછું પડતું. હા, ખાવાનું શોધવા મહેનત કરવી પડતી.
આ વાત અહીં એટલે કરી કે માણસ જાતજાતનાં બંધનોથી બંધાયેલો રહીને ઊડવાનું ભૂલી ગયો છે. એક ચોક્કસ પ્રકારના પિંજરમાં પુરાયેલા માનવીને ઊડવું તો છે પણ એની પાસે કાં તો હિંમત નથી કાં તો આ પાંજરું જ બરાબર છે એમ એણે સ્વીકારી લીધું છે. જાતે જ ઊભા કરેલા પિંજરા અને ચોકઠામાંથી માણસ જયાં સુધી બહાર નહીં નીકળે ત્યાં સુધી એ પ્રગતિ નહીં કરી શકે. એ મુકત જીવનનો અહેસાસ કરી નહીં શકે.
જીવનને ઉર્ધ્વગતિએ લઇ જવું હોય તો તમારી આસપાસના મોહ-માયા અને કુંઠિત વિચારોના પાંજરામાંથી બહાર નીકળવું પડે, એ બધાંમાંથી નીકળી પ્રગતિ તરફ ઊંચી ઉડાન ભરવી પડે. માણસ જીવનના અનેક પ્રશ્નો અને જાતે જ રચેલી મોહજાળમાં એવો ફસાયેલો રહે છે કે એ જીવનના ખુલ્લા આકાશને માણી નથી શકતો. અહીં વ્યકિત સ્વાતંત્રયની જ વાત નથી, મનની આત્માની સ્વતંત્રતાની પણ વાત છે. પાંજરાના પોપટની જેમ જીવવા કરતાં ખોરાકની શોધમાં ઠેર ઠેર ઊડતાં પંખીઓ જેવું જીવવું સારું. જો મન મક્કમ હોય તો ઊડવાને માટે આખું આકાશ પણ તમને ઓછું પડશે. બસ માત્ર ઊડવાની ઇચ્છા અને હામ હોવી જોઇએ.