વડોદરા: સામાજીક કામે નીકળેલા ધારાશાસ્ત્રીના બંધ મકાનને નિશાન બનાવતા ત્રણ બુકાનીધારી તસ્કરો સોના ચાંદીના દાગીના એન્ટીક ફોનસ સહિત 1.85 લાખની મતા ચોરી ગયાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાઈ હતી. વાડી સ્થિત મધુકુંજ સોસાયટી પાસે આવેલ ગોપાલનગરમાં રહેતા પ્રકાશ કિશોરચંદ્ર કાયસ્થ વકિલાતનો વ્યવસાય કરે છે. રોકડ સહિત સુરત ખાતે સાસરીમાં સામાજીક પ્રસંગ હોવાથી સહપરિવાર બંધ મકાનને તાળા મારીને તા. 29-5-2021 ના રોજ સવારે નીકળ્યા હતા.
તા. 30મીના રોજ તેમના પાડોશીની પુત્રી અંજલિએ ફોન કરીને ધારાશાસ્ત્રીને જણાવ્યું હતું કે, તમારા ઘરના તાળા નકૂચા તૂટેલા છે. પડોશી કૌસ્તુકભાઈએ જણાવ્યું હતું કે, ત્રણ અજાણ્યા બુકાનીધારી ઈસમો બાઈક પર થેલ મૂકીને નીકળ્યા હતા. ચોંકી ઉઠેલા ધારાશાસ્ત્રી પરિવારસહ તેમના નિવાસસ્થાને આવીને તપાસ કરતા તિજોરીના તાળા લોકર ખુલ્લુ હતું. જેમાંથી સોનાની પોચી, અછોડો, લક્કી, બુટ્ટી, કાપ, લગડી, નાની મોટી 16 નંગ વીંટી, બંગડીઓ ઉપરાંત ચાંદીના સાંકળા, લક્કી, િસક્કા, જુડા, ગણપતિની મૂર્તિ, ચાંદીના મેડલ બુકાનીધારી તસ્કર ત્રિપુટી તફડાવીને ફરાર થઈ ગઈ હતી.