સુરત: (Surat) વરસાદની સીઝનમાં શહેરમાં ખાડી પૂરને (Bay floods) કારણે હજારો લોકોનું સ્થળાંતર કરવું પડે છે. એટલું જ નહીં ખાડી કિનારે રહેતા લોકોનું નુકસાન પણ થાય છે. એવામાં શહેરમાં ખાડી પૂર ન આવે તે માટે શહેરની વિવિધ ખાડી સફાઈના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં આપ દ્વારા ખાડી કિનારે સુરત મનપાના શાસકોના ફોટો લગાવી દેવાતા વિવાદ સર્જાયો છે.
2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની સાથે આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ મળીને ખાડીમાં ઉતરીને જાતે સફાઈ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ ખાડી સફાઈ માટે મનપામાં પદાધિકારીઓને પણ રજુઆત કરી હતી. અને હવે આપ દ્વારા વરાછા ખાડીમાં જ શાસકોના ફોટા લગાવી ખાડી ગંદકી મુદ્દે વિરોધ કર્યો છે.
ચોમાસું આવવાની તૈયારી છે ત્યારે ખાડી સફાઈ થઈ નથી. અને શહેરમાં દર વર્ષે ખાડીકિનારા વિસ્તારોમાં ખાડીપુર આવે છે. આ વર્ષે પણ તંત્ર દ્વારા ખાડીની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. જેથી આપ દ્વારા જાતે જ ખાડી સફાઈ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મેયર, ડે.મેયરને પણ પુરતા સાધનો સાથે ખાડી સફાઈ શરૂ કરાવવા માટે તેઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં મનપા તંત્રએ જણાવ્યું હતું કે, વરાછા ઝોન દ્વારા ખાડીની સફાઈ કરવામાં આવી રહી છે. આપ દ્વારા તંત્રની કામગીરી પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અને સતત ચોથા દિવસે આપ દ્વારા શાસકોના ફોટા જ ખાડીમાં લગાવી ગોબરદાસ મેયર (Mayor), ગોબરદાસ ડે.મેયરના ફોટા લગાવી વિરોધ કર્યો હતો.