સુરત : ભારે ગરમી સાથે અકળાવનાર રહેલા ઉનાળા (summer) બાદ આજે સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (south gujarat)માં પ્રિ-મોન્સુન એક્ટિવિટી (premonsoon activity)ના ભાગરૂપે પડેલા વરસાદ (rain)ને કારણે લોકોને બફારામાંથી છૂટકારો થયો હતો. સુરત શહેર સહિત સુરત જિલ્લામાં ગત રાત્રે પડેલા વરસાદમાં સુરત શહેરમાં અડધા ઈંચ કરતાં વધારે તો જિલ્લાના મહુવામાં બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તાઉતે વાવાઝોડા બાદ વાતાવરણમાં પલટો શરૂ થયો હતો. વાવાઝોડાની અસર બાદ પારો સતત નીચે રહેવાની સાથે અસહ્ય ઉકળાટ અનુભવાઇ હતી. દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારે વરસાદ ખાબકતાં ઠેર – ઠેર નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડના થર જામી ગયા હતા. કેરલામાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે ત્યારે હવે આગામી પખવાડિયામાં મુંબઈ સહિત સુરતમાં પણ ચોમાસાની ઋતુના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે.
છેલ્લા બે ત્રણ દિવસથી ભારે બફારા અને ઉકળાટ વચ્ચે આજે સવારથી પ્રિમોનસૂન એક્ટીવીટીને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આગામી એક પખવાડિયામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદના વિધિવત આગમનની શક્યતાઓ છે. સુરત શહેરમાં પણ રાત્રે વરસાદી ઝાપટાઓ પડ્યાં હતાં. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમ્યાન પણ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યાં હતાં. દિવસ દરમિયાન સવારમાં કાળા ડિબાંગ વાદળો આકાશમાં છવાયા હતા. સવારના દશેક વાગ્યા બાદ ઉઘાડ નિકળ્યો હતો.
સુરતના કતારગામમાં રાત્રે પડેલા વરસાદ બાદ ઝાડ પણ પડ્યું
કતારગામમાં વિજય રાજ સર્કલ પાસે સત્યમ સુંદરમ સોસાયટી નજીક રસ્તા પર ઝાડ પડી ગયું હતું. રાત્રે આવેલા વરસાદને લઈને ઝાડ પડી ગયા બાદ સ્થાનિકોએ વૃક્ષનું ટ્રિમિંગ કરીને દૂર ખસેડ્યું હતું. પરંતુ ઝાડ પડતા રસ્તો બ્લોક થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હોવાથી ઝાડને થડમાંથી કાપીને દૂર કરવાનો સ્થાનિકોએ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુરતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
ઝોન વરસાદ
સેન્ટ્રલ 15 મીમી
વરાછા-એ 11 મીમી
વરાછા-બી 09 મીમી
રાંદેર 04 મીમી
કતારગામ 17 મીમી
ઉધના 04 મીમી
લિંબાયત 18 મીમી
અઠવા 08 મીમી
કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો
તાલુકો વરસાદ
બારડોલી 7 મીમી
ચોર્યાસી 3 મીમી
કામરેજ 36 મીમી
મહુવા 50 મીમી
માંડવી 10 મીમી
માંગરોળ 58 મીમી
પલસાણા 3 મીમી
સુરત 15 મીમી