Dakshin Gujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ

વલસાડ: (Valsad) વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વલસાડ જિલ્લા અદાલત ખાતે પ્રિન્‍સિપલ ડિસ્‍ટ્રિકટ જજ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન એમ.કે.દવે તેમજ તાલુકા કાનુની સેવા સમિતિ-વલસાડના ચેરમેન આઇ.એ.શેખ દ્વારા વૃક્ષારોપણ (Tree Plantation) કરાયું હતું. દરેક તાલુકાઓમાં ચેરમેન તથા અન્‍ય ન્‍યાયાધીશો દ્વારા વૃક્ષારોપણ કરાયું હોવાનું જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એમ.બી. ઘાસુરા દ્વારા જણાવાયું છે.

વલસાડ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત મોગરાવાડી તળાવ ખાતે સ્‍વજન વન નિર્માણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. પર્યાવરણની સમતુલા માટે વૃક્ષોનું મહત્વ સમજાવાયું હતું. આ અવસરે કલેક્‍ટર આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, દક્ષિણ વિભાગના નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, ઉત્તર વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક જીતલબેન ભટ્ટ, વિસ્‍તરણ રેન્‍જ વલસાડના પરિક્ષત્ર વન અધિકારી હેતલબેન ભંડારી, પાલિકા ચીફ ઓફિસર જે.યુ.વસાવા સહિત મહાનુભાવોના હસ્‍તે વૃક્ષારોપણ કરાયું હતું.

વાપી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના સાત વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે શનિવારે વાપી પાલિકા વોર્ડ નં.3 માં વાપી શહેર સંગઠન પ્રમુખ સતિષભાઈ પટેલની અધ્યક્ષતામાં સેવા એજ સંગઠન કાર્યક્રમ અંતર્ગત આજે વિશ્વ પર્યાવરણ દિવસ ના રોજ ઉદ્યાન (ગાર્ડન)નું લોકાર્પણ પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ અને કલેક્ટર આર.આર. રાવલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે વાપી નગરપાલીકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, વી.આઈ.એ પ્રમુખ પ્રકાશ ભદ્રા, વાપી પાલિકાના કારોબારી ચેરમેન દીલીપ દેસાઈ, નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વોર્ડ નં.3માં રેમન્ડ સર્કલ નજીક બનાવાયેલા આ ગાર્ડન વોર્ડ ત્રણના પાલિકા સભ્ય અને એક કંપનીના સૌજન્યથી બનાવાયું છે. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, પાલિકાના ચૂંટાયેલા સભ્યો, વી.આઈ.એના સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આજે વિશ્વ પર્યાવરણના દિવસે કનુભાઈ દેસાઈ અને કલેક્ટર આર.આર.રાવલ ના હસ્તે તુલસી તેમજ અન્ય છોડનું વિતરણ કરી અને વૃક્ષારોપણ કરાયું હતું.

500થી વધુ રોપાઓનું વિતરણ

બીલીમોરા : ગણદેવી-બીલીમોરા પાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગના સંયુક્ત ઉપક્રમે શનિવાર 500 થી વધુ તુલસી, અડૂસી, લીમડાનાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરી રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. બીલીમોરા પાલિકાએ તલોધ રેલવે ગરનાળા સામે પાણીની ટાંકી કમ્પાઉન્ડમાં, ગણદેવી પાલિકાએ સામુહિક આરોગ્ય કેન્દ્ર કમ્પાઉન્ડમાં વૃક્ષનું વાવેતર કર્યું હતું.

ડાંગ જિલ્લાની શાળાઓ સહિત દવાખાનાઓનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ
સાપુતારા : 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાની દક્ષિણ અને ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ કુલ 16 રેંજ કચેરીઓનાં નેજા હેઠળ શાળાઓ સહિત દવાખાનાઓનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શામગહાન, ગલકુંડ, આહવા પૂર્વ, આહવા પશ્ચિમ, ચીખલી, સાકરપાતળ, વઘઇ, નેશનલ પાર્ક નવતાડ, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, સીંગાણા, સુબિર, પીપલાઈદેવી, લવચાલી, ચિચીનાગાવઠા રેંજ કચેરીઓનાં નેજા હેઠળ પોતાના વિસ્તારમાં આવતી શાળાઓ, પી.એચ.સી.અને સી.એચ.સી સેન્ટરો ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે આર.એફ.ઓ ડી.કે.રબારીનાં નેજા હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઈકો ટુરિઝમ સ્થળ એવા ગીરાધોધ ખાતે વૃક્ષોની શાસ્ત્રોકત પૂજા વિધિ કરી રોપાણ કરાયું હતું અને પ્લાસ્ટિક કચરો દૂર કરાયો હતો. ડાંગ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં દક્ષિણ અને ઉત્તર વન વિભાગ કચેરીઓનાં તમામ આર.એફ.ઓ. ફોરેસ્ટર તથા પી.એચ.સી.અને સી.એચ.સીનાં તબીબોએ જોડાઈને પ્રકૃતિનાં સંવર્ધનની સૌ કોઈને હાંકલ કરી હતી.

Most Popular

To Top