આખરે જુહી ચાવલા (Juhi Chawla) ફસાઈ ગઈ. 5G ટેકનોલોજીના (5G Technology) મોબાઈલ ટાવર લગાડવાની વિરૂદ્ધમાં જુહી ચાવલા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. કોર્ટેએ આ કેસ કાઢી નાખવાની સાથે એવી કડક ટીકા કરી કે જુહી ચાવલા દ્વારા મીડિયા પબ્લિસિટી (Media Publicity) માટે કોર્ટનો સમય બરબાદ કરવામાં આવ્યો. હાઈકોર્ટ દ્વારા જુહી ચાવલાને 20 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો. મીડિયા પબ્લિસિટી માટે કોર્ટમાં અલગ અલગ મુદ્દા પર પિટિશન કરવાનો આ નવો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ આ રીતે પિટિશન કરવામાં આવી છે અને જે તે કોર્ટ દ્વારા પિટિશનકર્તાની અરજી કાઢી નાખવાની સાથે તેને દંડ ફટકારવામાં આવ્યો જ છે. પિટિશનમાં જુહી ચાવલાએ એવું જણાવ્યું હતું કે, 5G ટેકનોલોજીને કારણે રેડિયેશન ફેલાય છે. અમે પોતાના પર રિસર્ચ કર્યું, RF રેડિયેશન, વાયરલેસ ગેજેટ અને નેટવર્ક સેલ ટાવરની અસર જાણી ત્યારે ચિંતા થઈ. આ રેડિયેશનથી લોકોને ભારે નુકસાન થાય તેમ છે અને સ્વાસ્થ્ય પણ બગડે તેમ છે. જોકે, કોર્ટ દ્વારા ટીકા કરવાની સાથે એવી ઝાટકણી પણ કાઢવામાં આવી હતી કે જુહી ચાવલા દ્વારા પિટિશનમાં કોઈ જ તથ્યો કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી કે જેના આધારે આ પિટિશનને બળ મળે. ઉલ્ટું કોર્ટએ એમ કહ્યું કે, જુહી ચાવલા કોર્ટમાં આવતાં પહેલા સરકારને રજૂઆત કરી શકી હોત.
જોકે, રેડિયેશનના મામલે જુહી ચાવલા અગાઉ અનેક વખત અવાજ ઉઠાવતી આવી છે. જુહી ચાવલાએ અગાઉ મોબાઈલ ટાવરમાંથી નીકળતાં હાનિકારક રેડિયેશનનો વિરોધ કર્યો હતો. આ માટે લોકોને જાગૃત કરવાનું અભિયાન પણ જુહી ચાવલા દ્વારા ચલાવવામાં આવ્યું હતું. અગાઉ પણ જુહી ચાવલાએ 2008માં તે સમયના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશન અને તેને કારણે સજીવો સહિત સૃષ્ટિને થતાં નુકસાન મામલે પત્ર લખી ચેતવણી પણ આપી હતી કે આ રેડિયેશન લોકોને નુકસાન કરી રહ્યાં છે. જુહી ચાવલા દ્વારા રેડિયેશનથી થતાં નુકસાન અંગે અગાઉ એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. જુહી ચાવલાએ આ વિડીયો શેર કરતી વખતે એવું જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન કોઈ જાદુથી ચાલતા નથી, પણ રેડિયો વેવ્ઝથી ચાલે છે અને તેમાં દિવસેને દિવસે વધારો જ થઈ રહ્યો છે. જે માનવજાત માટે ખતરારૂપ છે.
હાઈકોર્ટમાં પિટિશન કરતી વખતે જોકે, જુહી ચાવલાએ દોઢ લાખની કોર્ટ ફીની રકમ પણ જમા કરાવી નહોતી. જેને કારણે હાઈકોર્ટની માન્યતાને પ્રબળ બળ મળ્યું હતું કે જુહી ચાવલા દ્વારા પિટિશન માત્ર મીડિયા પબ્લિસિટી માટે જ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા ચોખ્ખું કહેવામાં આવ્યું કે જુહી ચાવલા દ્વારા જે પિટિશન કરવામાં આવી તેમાં કોઈ તથ્ય મુકવામાં આવ્યા નહોતા. જુહી ચાવલાને હાઈકોર્ટ દ્વારા 20 લાખનો દંડ કરવાની સાથે અઠવાડિયામાં જ કોર્ટ ફીની દોઢ લાખની રકમ ભરી દેવા માટે પણ આદેશ કરવામાં આવ્યો હતો. જુહી ચાવલાને જે રીતે હાઈકોર્ટ દ્વારા ટિપ્પણી કરી દંડ કરવામાં આવ્યો છે તેણે સાબિત કરી આપ્યું છે કે હાઈકોર્ટને પણ હેરાન કરનારા લોકો ઓછા નથી.
એક તરફ હાઈકોર્ટમાં લાખો કેસ પેન્ડિંગ હોય છે. આવા સમયે આવી રીતે પિટિશન કરીને અને તે પણ કોઈપણ પ્રકારના પુરાવા વિના, જુહી ચાવલાએ માત્ર કોર્ટનો સમય જ બરબાદ કર્યો છે. હાઈકોર્ટ દ્વારા યોગ્ય રીતે જ જુહી ચાવલાની ઝાટકણી કાઢીને દંડ કરવામાં આવ્યો છે. ખરેખર હાઈકોર્ટએ આવી પિટિશનને સાંભળવાની પણ જરુરીયાત રહેતી નથી. ભલે, હાઈકોર્ટ દ્વારા જુહી ચાવલાને દંડ કરવામાં આવ્યો હોય અને પિટિશન કાઢી નાખવામાં આવી હોય પરંતુ એ સત્ય છે કે આ પિટિશન દ્વારા જુહી ચાવલાને પબ્લિસિટી તો મળી જ ગઈ છે. 20 લાખ રૂપિયાના ખર્ચમાં જુહી ચાવલાને આખા દેશના અખબારો અને ચેનલોમાં સ્થાન મળી ગયું છે. હાઈકોર્ટ દ્વારા પિટિશન કાઢી નાખવાના સમાચારે પણ જુહી ચાવલાને પબ્લિસિટી અપાવી જ છે. કોર્ટ દ્વારા એવી કોઈ વ્યવસ્થા ગોઠવવાની જરૂરીયાત છે કે આવી રીતે પિટિશન કરનારાઓ અટકે અને તેમને પબ્લિસિટી મળે નહીં.