Editorial

કોવિડ-૧૯ ના વેરિઅન્ટ્સને વૈજ્ઞાનિક નામો ઉપરાંતનાં સામાન્ય નામ અપાયાં તે સારું જ થયું


કોવિડ-૧૯ નો રોગચાળો જેના કારણે ફાટ્યો છે તે કોરોના વાયરસ સાર્સ-કોવ-ટુ એ પોતાના સ્વરૂપ બદલવા માંડ્યાં અને જુદા જુદા પ્રદેશોમાં તેના જે જુદા જુદા વેરિઅન્ટ દેખાયા તેમને તે જે પ્રદેશ કે દેશમાં પ્રથમ દેખાયો હોય તેનું નામ આપવાનું બિનસત્તાવાર રીતે શરૂ થઇ ગયું, જેમ કે યુકે વેરિઅન્ટ, બ્રાઝિલ વેરિઅન્ટ, ઇન્ડિયન વેરિઅન્ટ વગેરે. આમાં વેરિઅન્ટને જે દેશનું નામ અપાય તે દેશને અપમાન જેવી લાગણી અનુભવાય તે સ્વાભાવિક છે. ભારત સરકારે આમાં પોતાનો વાચાળ વિરોધ નોંધાવ્યો અને મીડિયામાં વપરાતા ઇન્ડિયન વેરિઅન્ટ નામ સામે સખત નારાજગી વ્યક્ત કરી. આના ત્રણેક સપ્તાહ પછી હવે વિશ્વ આરોગ્ય સંગઠને આ વેરિઅન્ટસને ગ્રીક કકાવારીના જુદા જુદા અક્ષરો પરથી નામ આપ્યાં છે.

કોવિડ-૧૯ ના બી.૧.૬૧૭.૧ અને બી.૧.૬૧૭.૨ વેરિઅવ્ન્ટ્સ, કે જે સૌ પ્રથમ ભારતમાં મળી આવ્યા હતા તેમને વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ અનુક્રમે કાપ્પા અને ડેલ્ટા નામ આપ્યાં છે. તેણે જાહેર ચર્ચાઓની સરળતા માટે અને નામોમાંથી કલંક દૂર કરવાના આશયથી કોરોના વાયરસના વિવિધ વેરિઅન્ટ્સને ગ્રીક આલ્ફાબેટના અક્ષરોનાં નામ આપ્યાં છે. બી.૧.૬૧૭ મ્યુટન્ટને મીડિયા અહેવાલોમાં ઇન્ડિયન વેરિઅન્ટ્સ તરીકે વર્ણવવામાં આવતાં ભારતે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ તરફ નિર્દેશ કર્યો હતો કે યુએનની ટોચની આરોગ્ય સંસ્થા હુએ તેના દસ્તાવેજમાં આ સ્ટ્રેઇનને માટે ઇન્ડિયન વેરિઅન્ટ શબ્દનો ઉપયોગ કર્યો નથી. ભારતનો આ વિરોધ પણ હુ ના નિર્ણયમાં ભાગ ભજવી ગયો લાગે છે.

યુએનની આરોગ્ય એજન્સીએ કોવિડ-૧૯ ના આ બંને ભારતમાં સૌ પ્રથમ મળી આવેલા વેરિઅન્ટ્સને કાપ્પા અને ડેલ્ટા નામ આપવા ઉપરાંત યુકેમાં સૌ પ્રથમ વખત મળી આવેલા વેરિઅન્ટ બી.૧.૧.૭ને આલ્ફા અને સાઉથ આફ્રિકામાં સૌ પ્રથમ વખત દેખાયેલા બી.૧.૩૫૧ વેરિઅન્ટને બીટા નામ આપ્યાં છે. બ્રાઝિલમાં સૌ પ્રથમ વખતે દેખાયેલા પી.૧ વેરિઅન્ટને ગામા અને પી.૨ વેરિઅન્ટને ઝેટા નામ આપ્યું છે. અમેરિકામાં સૌ પ્રથમ વખત મળી આવેલા વેરિઅન્ટ્સને એપ્સિલોન અને લોટા નામ આપ્યાં છે.

કોવિડના વેરિઅન્ટ્સ માટે આ નામોની જાહેરાત કરતાં હુ એ જણાવ્યું હતું કે જાહેર ચર્ચા માટે અને યાદ રાખવામાં સરળતા રહે તે માટે વૈજ્ઞાનિક નામોની જગ્યાએ આ નામો આપવામાં આવ્યાં છે, પરંતુ આ નામો આપવાથી વાયરસ વેરિઅન્ટ્સના હાલનાં વૈજ્ઞાનિક નામો રદ થશે નહીં, તે નામો સંશોધન માટે ચાલુ રહેશે. આ નામો આપવા પાછળનો હેતુ આ વેરિઅન્ટસને તે જે દેશમાં સૌ પ્રથમ દેખાયા હોય તે દેશનું નામ આપવાથી જન્મતી કલંકની અને ભેદભાવની ભાવના દૂર કરવાનો પણ છે એમ હુ ના એક અધિકારીએ જણાવ્યું હતું. કોરોના વાયરસના વિવિધ વેરિઅન્ટ્સને આવાં નામ અપાયાં તે સારું જ થયું. આનાથી જે-તે દેશ માટેની કલંકની ભાવના દૂર થવાની સાથે વાયરસ વેરિઅન્ટ અંગેની સામાન્ય ચર્ચાઓમાં ભારેખમ અને અટપટાં વૈજ્ઞાનિક નામો નહીં ઉચ્ચારવાં પડે.

Most Popular

To Top