સુરત : પાંડેસરા (Pandesra)માં ઘરખર્ચ મુદ્દે થયેલી માથાકૂટમાં પતિ (Husband)એ પત્ની (Wife)ને ટૂંપો આપીને હત્યા (Murder) કરી નાંખી હતી. પત્નીને અંતિમસંસ્કાર (funeral) કરવા અને હત્યાને કુદરતી મોત (natural death)માં ખપાવી દેવા માટે પતિએ વારંવાર પ્રયાસો કર્યા હતા. પરંતુ શબવાહિનીના સ્ટાફની સમયસૂચકતાને કારણે પોસ્ટમોર્ટમ (Postmortem)માં ભેદ ઉકેલાયો હતો. પાંડેસરા પોલીસે પતિની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ પણ કરી હતી.
નવાગામ-ડીંડોલીના સાંઇબાબા નગર સોસાયટીમાં રહેતા સાહેબરાવ બાવીસ્કરની પુત્રી કવિતાના 12 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. ત્યારબાદ કવિતાએ પાંડેસરામાં રહેતા વિજય આનંદા પાટીલની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ડાઇંગ મિલમાં નોકરી કરતો વિજય કવિતા સાથે ઘરખર્ચ મુદ્દે ઝઘડો કરતો હતો અને પત્નીને તેના પિયરમાંથી રૂપિયા લઇ આવવાનું કહીને માર મારતો હતો. પતિના અત્યાચાર અંગે કવિતાએ પોતાના પરિવારને ફરિયાદ કરી હતી. બે દિવસ અગાઉ વિજયએ સાસરીયામાં ફોન કર્યો હતો અને કહ્યું કે, તમારી પુત્રી કવિતાની તબિયત ખરાબ થઇ છે અને તેનું મોત નીપજ્યું છે.
ખુબ જ ગભરાઇ ગયેલા સાહેબરાવ અને તેમનો પરિવાર પાંડેસરા પહોંચ્યો હતો. કવિતાનું શબ જોતા તેના શરીરે ડાઘા પડ્યા હતા અને આંખ પણ થોડી બહાર આવી ગઇ હતી. કવિતાના અંતિમસંસ્કાર કરવા માટે પહેલાથી જ વિજયએ શબવાહિની પણ બોલાવી લીધી હતી. શબવાહિનીના સ્ટાફે વિજયને કહ્યું કે, જ્યાં સુધી પોલીસને જાણ ન કરવામાં આવે ત્યાં સુધી ડેડબોડી અમે નહીં લઇ જઇએ. ત્યારબાદ પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે કવિતાની ડેડબોડીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા અને ત્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં એવી વિગતો બહાર આવી હતી કે કવિતાબેનને આંખ બહાર આવી ગઇ હતી તેમજ તેની છાતી, ફેંફસા અને હ્રદયમાં આંતરિક ઇજા થઇ હતી. આ ઇજા 36 કલાક પહેલા થઇ હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. પાંડેસરા પોલીસે વિજયને પકડીને કડક પુછપરછ કરી હતી અને હત્યાની ઘટના બહાર આવી હતી. વિજયએ રૂપિયા મુદ્દે પત્નીને ગળેટૂંપો આપીને હત્યા કરી દીધી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે વિજયની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.