SURAT

મેટ્રોનું કામ પૂરજોશમાં: એલિવેટેડ રૂટ માટે 40 ટકા પાઈલિંગ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ

સુરત: (Surat) સુરતીઓ માટે અતિ મહત્ત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની કામગીરી (Metro Rail Project) પૂરઝડપે ચાલી રહી છે. સુરત મેટ્રો કુલ 40.35 કિ.મી. રૂટ પર દોડશે. જે માટેનો અંદાજિત ખર્ચ 12,020 કરોડ જેટલો થશે. હાલમાં શહેરમાં એલિવેટેડ રૂટ અને અંડરગ્રાઉન્ડ રૂટ (Elevated route and underground route) માટેની પ્રાઇમરી લેવલની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. હાલમાં મેટ્રોના કુલ રૂટને ત્રણ રૂટમાં વહેંચી દેવાયા છે.

સદભાવના એન્જિનિયરિંગ દ્વારા ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના 11.6 કિ.મી.ના એલિવેટેડ રૂટ માટેના પાઈલિંગ ટેસ્ટિંગનું કામ 40 ટકા જેટલું પૂર્ણ કરી દેવાયું છે.વધુ માહિતી આપતાં મનપા કમિશનરે જણાવ્યું હતું કે, કાપોદ્રાથી રેલવે સ્ટેશન માટે ગુલમર્ક અને જેવીએમ કન્સ્ટ્રક્શન દ્વારા અંડર ગ્રાઉન્ડ રૂટ માટેનાં પ્રાથમિક કામો શરૂ કરી દેવાયાં છે. હાલમાં અંડરગ્રાઉન્ડ રૂટ માટે ભૂગર્ભ સરવેની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારબાદ સ્ટેશનની ડિઝાઈન નક્કી થશે. તેમજ જે. કુમાર દ્વારા વિવેકાનંદ બ્રિજથી રેલવે સ્ટેશન સુધીના 16 કિ.મી.ના અંડરગ્રાઉન્ડ રૂટ માટે સ્ટ્રેચની કામગીરીના ઓર્ડર અપાયા છે. જેની કામગીરી પણ પૂરઝડપે ચાલી રહી છે.

મેટ્રોની અંડરગ્રાઉન્ડની કામગીરી માટે ટીબીએમ (ટનલ બોરિંગ મશીન) આવી ચૂક્યું છે. પરંતુ આ મશીનને ગોઠવતાં જ 9 મહિના જેટલો સમય લાગશે. આ મશીનની ગોઠવણી કરવા માટે થાઈલેન્ડથી 12 લોકોની એક્સપર્ટની ટીમ આવશે. જેઓ આ મશીનના અલગ અલગ પાર્ટને જોડવામાં મદદ કરશે.

રાજમાર્ગ સહિતનાં દબાણોનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆતો

સુરત: મનપાના પદાધિકારીઓ તેમજ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને મંગળવારે સેન્ટ્રલ ઝોનની સંકલન મીટિંગ મળી હતી. જેમાં મુખ્યત્વે દબાણો, ગેરકાયદે બાંધકામ, અશાંતધારાના મુદ્દે સભ્યોએ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. મીટિંગમાં મોટા ભાગના કોર્પોરેટરોએ સેન્ટ્રલ ઝોનમાં માથાનો દુખાવો થઈ ગયેલા કાદરશાની નાળ, ગોપી તળાવની આજુબાજુ, રાજમાર્ગ સહિતનાં દબાણોનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆતો કરી હતી.

તળ સુરતમાં ઘણાં વરસો જૂનાં મકાનો આવેલાં છે. તેમજ ઘણી હેરટેજ વિરાસતો જર્જરિત હાલતમાં છે. જેમાંની એક લાલ દરવાજાથી રૂંઢનાથપુરા સુધીની જૂના કોટની હેરિટેજ દીવાલ ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં છે. આ બાબતે નગરસેવક તેમજ ખાસ સમિતિ ચેરમેન કિશોર મિયણીએ રજૂઆત કરી હતી. આથી મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તુરંત જ સંલગ્ન અધિકારીને ઊભા કરી આડે હાથ લીધા હતા તેમજ ‘દીવાલ તૂટી પડવાની અને કોઈ જાનહાનિ થવાની રાહ જુઓ છો?’ સેન્ટ્રલ ઝોનનાં વડાં ગાયત્રી જરીવાલાએ બચાવના પ્રયાસમાં કહ્યું હતું કે, આ દીવાલ હેરિટેજ હોવાથી હેરિટેજ વિભાગ સાથે સંકલન કરી તેની મંજૂરીથી રિપેર કરવા યોગ્ય છે. પરંતુ મનપા કમિશનરે આવી કોઇ રાહ જોયા વગર આ દીવાલને તાકીદે રિપેર કરવા આદેશ આપ્યો હતો. તેમજ કોટ વિસ્તારની તમામ જર્જરિત ઇમારતોને નોટિસ આપી 10 દિવસમાં કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનમાં અગાઉ પણ પે એન્ડ પાર્કિંગનું કૌભાંડ ગાજ્યું હતું. આ કૌભાંડની તપાસનો રિપોર્ટ સંબંધિત અધિકારીઓને છાવરવા માટે હજુ સુધી જાહેર કરાયો નથી. ત્યારે આ મીટિંગમાં પણ રજૂઆત થઈ હતી કે ત્રણથી ચાર પે એન્ડ પાર્કમાં ઈજારદારો એક વર્ષથી ગેરકાયદે પાર્કિંગ ફી ઉઘરાવી રહ્યા છે, તેની સામે તપાસ થવી જોઇએ. મનપા કમિશનરે આ બાબતે માહિતી રજૂ કરવા સંબંધિત જુનિયર ઇજનેરને જણાવતા માહિતી ઉપલબ્ધ ના હોય, શો કોઝ નોટિસ આપવા ચીમકી આપી હતી. જો કે, બાદમાં એવું જાણવા મળ્યું હતું કે, આ ઇજનેર હમણા જ બદલી થઇને આવ્યા છે, તેથી આ માટે જવાબદાર અગાઉના જુનિયર ઇજનેર સામે કાર્યવાહી કરવા શાસક પક્ષ નેતાએ હૈયાધારણા આપી હતી

Most Popular

To Top