Dakshin Gujarat

સરદાર સરોવર નર્મદા ડેમના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક દ્વારા ૧.૪૦ કરોડ યુનિટનું વીજ ઉત્પાદન

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨ જી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૮ કલાકે ૧૨૩.૦૧ મીટર નોંધાઈ છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૫,૪૬૩ મિલિયન ક્યુબિક મીટર નોંધાયું છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે ૨૦ થી ૨૫ સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમના ઈજનેરી વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે.

આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટરે હતી. છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૨,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.

તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ૩ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂા.૫૦ લાખની કિંમતનુ ૨૫ લાખ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૧૫,૫૦૦ ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.

Most Popular

To Top