SURAT

ટેક્સટાઈલ ઉદ્યોગને રાહત: કામદારો પરત આવતા 20 ટકા ડાઇંગ પ્રોસેસીંગ એકમો શરૂ થયા

સુરત: (Surat) રાજ્ય સરકારે 36 શહેરોમાં દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓ 4 જૂનથી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેતા રીટેલ સેકટરને તો આ નિર્ણયથી રાહત થશે. સાથે સાથે શહેરના ડાઇંગ પ્રોસેસીંગ એકમોને (Dyeing processing units) પણ રાહત મળશે. સજીટીપીએના અગ્રણીઓ જીતેન્દ્ર વખારીયા અને કમલ વિજય તુલશ્યાને જણાવ્યું હતું કે સુરતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવવા સાથે કેસો ઓછા થતા પરપ્રાંતિય કામદારો હવે સુરત પરત ફરી રહયા છે તેને લીધે પાંડેસરા અને સચીન જીઆઇડીસી (GIDC) સહિત સુરતના ટેક્ષટાઇલ ક્લસ્ટરમાં 20 ટકા ડાઇંગ પ્રોસેસીંગ એકમો શરૂ થયા છે. આગામી પખવાડિયા સુધી કારીગરો આવી જશે તે રીતે વધુ યુનિટો શરૂ થશે.

કાપડ માર્કેટ હવે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ આપવામાં આવતા ટ્રેડીંગ એકટીવીટી પણ વધશે. એસજીટીપીએના માજી પ્રમુખ અને અગ્રણી ટેક્ષટાઇલ ઉદ્યોગકાર પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે 10 થી 15 ટકા કારીગરો પરત થતા ડાઇંગ પ્રોસેસીંગ એકમો ધીમી ગતિએ શરૂ થયા છે. સુરતમાં કોરોનાની સ્થિતિ જેમ જેમ થાળે પડશે તેમ તેમ માર્કેટનો સમય વધતા પ્રોડકશન પણ વધશે. ઉત્તર ભારતના રાજ્યોમાં કાપડ મંડીઓ નિર્ધારિત સમય માટે શરૂ થઇ છે પરંતુ હજુ દક્ષિણ ભારતમાં મંડીઓ શરૂ થઇ નથી.

એક અંદાજ પ્રમાણે જૂનના અંત સુધીમાં સુરતનો કાપડ ઉદ્યોગ ધમધમતો થઇ જશે. ગુજરાત ઇન્ટુકના મહામંત્રી કામરાન ઉસ્માનીએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના કારીગરો સુરતમાં પરત આવવાના શરૂ થયા છે. ખાસ કરીને જે કારીગરો સચીન જીઆઇડીસીની મીલોમાં કામ કરે છે તેઓ મોટી સંખ્યામાં પરત આવી રહયા છે. તેને લીધે જીઆઇડીસીની 20 ટકા મીલો ફરી બે પાળીમાં કામ કરી રહી છે. વતનમાં ખેતીનું કામ પુરુ થતાં અને સુરતમાં સ્થિતિ સુધરતા કારીગરો પખવાડિયામાં સુરત પરત આવી જાય તેવી શકયતા છે.

કાપડ માર્કેટ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવા ફોગવાની માગ
સુરત શહેરમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યાં હોવાથી ટેક્ષટાઈલ માર્કેટનો સમય વધારવા માટે ફોસ્ટા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ફોસ્ટાએ 10 દિવસમાં સીએમને ત્રીજી વખત લેટર લખી માર્કેટનો સમય વધારવા માંગ કરી છે. સુરત શહેરમાં કોરોનાથી મૃત્યુ આંક અને કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ છતાં ટેક્ષટાઈલ માર્કેટને સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ખોલવા માટે રાજ્ય સરકારે ગત સપ્તાહે મંજૂરી આપી હતી. પરંતુ સરકારે આજે માર્કેટ 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની જાહેરાત કરી તે પહેલા ફોસ્ટાએ ટ્રાન્સપોટેશન સહિતનો સમય ઓછો પડતો હોવાથી કાપડ માર્કેટ સવારે 9 થી સાંજે 6 વાગ્યાને બદલે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માગ કરી છે.

Most Popular

To Top