કામરેજ: (Kamrej) કઠોર ગામે વિવેકનગર કોલોની તેમજ નહેર કોલોનીમાં ઝાડા-ઊલટીના કેસમાં છનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે અકસ્માત મોત નોંધીને મરનાર ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ જમીનમાંથી કાઢીને સુરત ફોરેન્સિક પીએમ (Forensic PM) માટે મોકલવામાં આવ્યો હતો. મૃતકોના પરિવારને સુરત મહાનગર પાલિકા દ્વારા એક લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
સુરત શહેરના છેવાડે આવેલા કઠોર ગામમાં વેલંજા જતા રોડ પર આવેલી વિવેકનગર કોલોની તેમજ નહેર કોલોનીમાં છેલ્લા ચાર દિવસથી ઝાડા-ઊલટીના કેસો સામે આવતાં સુરત મહાનગર પાલિકાની ટીમો દોડતી થઈ છે. કયાં કારણોથી ઝાડા-ઊલટી થયા તે ચાર દિવસ થવા છતાં પણ કારણ હાલમાં પાલિકા જાણી શકી નથી. છ લોકોનાં મોતના લઈને જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ કઠોરની મુલાકાત લઈને અકસ્માત મોત નોંધાવી તપાસ ડીવાયએસપી ચંદ્રરાજસિંહ જાડેજાને સોંપી હતી. છ મૃતકોમાંથી પાંચની તો અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. જ્યારે ત્રણ વર્ષના બાળક તનયનો મૃતદેહને જમીનમાં દાટવામાં આવ્યો હતો. તે બુધવારના રોજ સવારે પોલીસની હાજરીમાં કઠોર તાપી નદીના કિનારે સ્મશાનની પાછળના ભાગે ખોદીને બહાર કાઢીને સુરત ફોરેન્સિક પીએમ કરાવવામાં લઈ જવામાં આવ્યો હતો. સાંજે પરિવારને મૃતદેહ આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી.
860 લોકોની વસતીમાં 57 સેમ્પલ લેવાયા તેમાંથી 7 અનફીટ મળ્યા
સુરત મનપા કમિશનરે માહિતી આપતા જણાવ્યું હતું કે, કઠોર ગામના હળપતિવાસમાં 255 ઘરોમાં 860 લોકોની વસતી છે. જે પૈકી 95 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જેમાં 53 લોકો હાલમાં સાજા છે. અને 56 જેટલા આવતીકાલ સુધી હોસ્પિટલમાંથી રજા લઈ લેશે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહી પાણીની સમસ્યાને કારણે લોકો બિમારીમાં સપડાયા છે. કઠોર ગામમાં મનપા દ્વારા તાકીદે વિવિધ વિસ્તારોમાંથી સેમ્પલ લેવાયા હતા. કુલ 57 સેમ્પલ લઈને લેબમાં મોકલાયા હતા. જે પૈકી 7 સેમ્પલો અનફીટ મળી આવ્યા હતા. તે ઉપરાંત મનપા દ્વારા કુલ 12 મેડીકલ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેઓ દવા અને ઓઆરએસનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ ક્લોરીન દવા પણ વહેંચવામાં આવી છે.
બોરના પાણીનો કપડા કે વાસણ ધોવામાં પણ ઉપયોગ નહી, તમામ ઘરોમાં સ્ટોક ખાલી કરાવાયો
મનપા કમિશનરે જણાવ્યું હતું કે, અહી નવી લાઈન ઉભી કરાશે. હાલમાં આ બોરના સમગ્ર પાણી કાઢી નાખવામાં આવ્યા છે. માત્ર 50 મીટરનો પ્રશ્ન છે. તાપીશુધ્ધિકરણની લાઈન પણ નજીકથી નીકળે છે. જેથી પ્રાયોરિટીમાં લઈ આ કામગીરી કરવામાં આવશે. અહીના લોકોને બોરના પાણીનો વાસણ ધોવા કે નહાવા પણ ઉપયોગ બંધ કરાવાયો છે. તેમજ જુના પાણીનો સંગ્રહ કરાયો હોય તો ખાલી કરાવાયા હતા.