અંકલેશ્વર: ઇજનેરી કૌશલ્યનો બેનમૂન નમૂનો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ (Narmada Dam) છે. 163 મીટર ઊંચાઈ અને 1.2 કિલોમીટર લાંબા નર્મદા ડેમના નિર્માણમાં (Construction) 6.8 મિલિયન ક્યુબીક મીટર કોંક્રીટનો ઉપયોગ થયો છે. ડેમ નિર્માણમાં વપરાયેલા કોંક્રીટના કારણે તે વિશ્વમાં ગ્રેવિટી પર બનેલા બાંધમાં નં.1 સ્થાને આવે છે. અધધ કહી શકાય એટલે કે 68.20 લાખ ઘનમીટર, બીજી ભાષામાં 680 કરોડ લીટર કોંક્રીટના (Concrete) જથ્થાથી પૃથ્વીની ફરતે 40,075.16 કિલોમીટર લાંબો ફૂટપાથ બનાવી શકાય છે.
નર્મદા ડેમના એમેજિંગ ફેક્ટ અંગે સરદાર સરોવર નર્મદા નિગમના MD ડો.રાજીવ ગુપ્તાએ ટ્વીટ કરી આ માહિતી આપી છે. 6.8 MCM કોંક્રીટથી પૃથ્વીના પરિધ, વિષવવૃત્ત રેખા એટલે કે પૃથ્વી ફરતે 40075.16 KMમાં ફૂટપાથ બનાવી શકાય છે. ડેમ નિર્માણમાં વપરાયેલા કોંક્રીટના અધધ જથ્થાથી પૃથ્વી ફરતે 1 મીટર પહોળો, 17 સેન્ટિમીટર જાડો 40075 કિલોમીટર લાંબો કોંક્રીટનો ફૂટપાથ બનાવી શકાય છે.
હવે પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ નજીકના દિવસોમાં તેજ બનવાની છે. ત્યારે જૂનના મધ્ય ભાગમાં ચોમાસું દસ્તક દેશે. જેને ધ્યાને રાખી નર્મદા ડેમનાં રિવર બેડ પાવર હાઉસ કાર્યરત કરી દેવા સાથે નદીમાં 31000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતાં 168 KM લાંબા ડાઉન સ્ટ્રીમમાં નદી 2 કાંઠે વહી રહી છે.
CHPH પાવર હાઉસ ચલાવી મુખ્ય કેનાલમાં કેવડિયાથી કચ્છ સુધી પાણી છોડી સિંચાઈ સાથે રાજ્યનાં 1000થી વધુ તળાવો, નાનાં જળાશયો ભરવામાં આવી રહ્યાં છે. હાલ ડેમમાં જળસ્તર 123 મીટર સુધી છે. ચોમાસા પહેલાં રાજ્યમાં ઉનાળુ પાક માટે 30 જૂન સુધી પાણી આપવા સાથે ડેમના અન્ય જળાશયો ભરી શક્ય એટલું મહત્તમ વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે. ચોમાસામાં ડેમમાં નવા નીર ભરી ફરી સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી સ્પર્શવાનું આયોજન નિગમ કરી રહ્યું છે.
ડો.રાજીવકુમાર ગુપ્તાએ કરેલી ટ્વીટ
6.8 Million Cubic Mtr of concrete used to build 1.2Km long & 163m high #SardarSarovarDam. Know the massiveness of this Engineering Marvel, we can construct a 1m wide & 17cm thick footpath around equator with that quantity of concrete. A true illustration of human brilliance !!! pic.twitter.com/dlC9uTEY5f
- Dr Rajiv Kumar Gupta (@drrajivguptaias) June 2, 2021