સુરત: (Surat) મનપાના પદાધિકારીઓ તેમજ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને મંગળવારે સેન્ટ્રલ ઝોનની (Central Zone) સંકલન મીટિંગ મળી હતી. જેમાં મુખ્યત્વે દબાણો, ગેરકાયદે બાંધકામ, અશાંતધારાના મુદ્દે સભ્યોએ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. મીટિંગમાં મોટા ભાગના કોર્પોરેટરોએ સેન્ટ્રલ ઝોનમાં માથાનો દુખાવો થઈ ગયેલા કાદરશાની નાળ, ગોપી તળાવની આજુબાજુ, રાજમાર્ગ સહિતનાં દબાણોનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆતો કરી હતી. સાથે સાથે સેન્ટ્રલ ઝોનમાં થઈ રહેલા ગેરકાયદે બાંધકામ (Illegal construction) મુદ્દે પણ ઘણી રજૂઆતો થઈ હતી. આ વિસ્તારના એક નગરસેવકે તો ત્યાં સુધી કહ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનમાં અશાંતધારાનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે, કલેક્ટર સાથે સંકલન કરી તાકીદે તેનો કડક અમલ થાય એ માટે માંગણી કરવામાં આવી હતી. તેણે ઉમેર્યું હતું કે, કોટ વિસ્તારમાંથી મૂળ સુરતીઓને ખદેડી મૂકવા વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું હોય તેમ લાગે છે. કેમ કે, ચોક્કસ કોમના લોકો સાત સાત માળ બનાવી દે તો પણ કંઇ થતું નથી અને બીજી કોમના કોઇ મિલકતદાર જૂની મિલકતમાં બે માળ પણ રિનોવેશન કરીને બનાવે તો તુરંત મનપાના અધિકારીઓ પહોંચી જાય છે અને કનડગત કરાય છે. હિન્દુ મિલકતદારોની મિલકત કબજા રસીદ કે લીઝ પર લઈને અન્ય કોમના બિલ્ડરો નવું બાંધકામ કરી વેચાણ કરી રહ્યા છે. તે ન્યૂશન્સ પણ બંધ થવું જોઇએ.
નગરસેવકની ટિપ્પણીથી નારાજ ચેરમેન મીટિંગમાંથી ચાલ્યા ગયા
નગરસેવક સંજય દલાલ રજૂઆત કરવા ઊભા થયા ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે, સ્થાયી સમિતિ ચેરમેન કે શાસક પક્ષ નેતાને બદલે અધિકારીઓ જવાબ આપવાના હોય તો જ હું રજૂઆત કરું. તેથી સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે તુરંત ઊભા થઇને હું જઇ રહ્યો છું, તમે રજૂઆત કરી લો તેમ કહી મીટિંગ હોલની બહાર ચાલ્યા ગયા હતા. તેમજ સંજય દલાલની રજૂઆતો પૂરી થયા બાદ જ પરત ફર્યા હતા. આથી ભાજપ શાસકોમાં જ ચાલી રહેલો ગજગ્રાહ ફરી એકવાર સપાટી પર આવ્યો હતો. રજૂઆત દરમિયાન સંજય દલાલે એવું પણ કહ્યું હતું કે, કોટ વિસ્તારમાં જ સાત સાત માળની ગેરકાયદે બની હોય તેવી 185 મિલકતની યાદી હું આપી શકું છું. આવી તો અનેક છે તેની સામે આંખ આડા કાન કરનારા અધિકારીઓ સામે પગલાં લેવાવા જોઇએ. ગેરકાયદે બાંધકામની ફરિયાદના જવાબમાં મનપા કમિશનરે ઝોનલ ચીફને સૂચના આપી હતી કે, છેલ્લા 1 વર્ષમાં સેન્ટ્રલ ઝોનમાં કેટલાં ગેરકાયદે બાંધકામો તોડાયાં છે અને કેટલાને નોટિસ અપાઈ છે તેની યાદી તૈયાર કરો અને 2 દિવસમાં રજૂ કરો.
જૂના કોટની દીવાલ તૂટી પડે તેની રાહ જુઓ છો ? મનપા કમિશનરે અધિકારીને આડે હાથ લીધા
તળ સુરતમાં ઘણાં વરસો જૂનાં મકાનો આવેલાં છે. તેમજ ઘણી હેરટેજ વિરાસતો જર્જરિત હાલતમાં છે. જેમાંની એક લાલ દરવાજાથી રૂંઢનાથપુરા સુધીની જૂના કોટની હેરિટેજ દીવાલ ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં છે. આ બાબતે નગરસેવક તેમજ ખાસ સમિતિ ચેરમેન કિશોર મિયણીએ રજૂઆત કરી હતી. આથી મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તુરંત જ સંલગ્ન અધિકારીને ઊભા કરી આડે હાથ લીધા હતા તેમજ ‘દીવાલ તૂટી પડવાની અને કોઈ જાનહાનિ થવાની રાહ જુઓ છો?’ સેન્ટ્રલ ઝોનનાં વડાં ગાયત્રી જરીવાલાએ બચાવના પ્રયાસમાં કહ્યું હતું કે, આ દીવાલ હેરિટેજ હોવાથી હેરિટેજ વિભાગ સાથે સંકલન કરી તેની મંજૂરીથી રિપેર કરવા યોગ્ય છે. પરંતુ મનપા કમિશનરે આવી કોઇ રાહ જોયા વગર આ દીવાલને તાકીદે રિપેર કરવા આદેશ આપ્યો હતો. તેમજ કોટ વિસ્તારની તમામ જર્જરિત ઇમારતોને નોટિસ આપી 10 દિવસમાં કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના પે એન્ડ પાર્કમાં એક વર્ષથી મંજૂરી વગર ઉઘરાણાની ફરિયાદ થતાં ઇજનેરને નોટિસ
સેન્ટ્રલ ઝોનમાં અગાઉ પણ પે એન્ડ પાર્કિંગનું કૌભાંડ ગાજ્યું હતું. આ કૌભાંડની તપાસનો રિપોર્ટ સંબંધિત અધિકારીઓને છાવરવા માટે હજુ સુધી જાહેર કરાયો નથી. ત્યારે આ મીટિંગમાં પણ રજૂઆત થઈ હતી કે ત્રણથી ચાર પે એન્ડ પાર્કમાં ઈજારદારો એક વર્ષથી ગેરકાયદે પાર્કિંગ ફી ઉઘરાવી રહ્યા છે, તેની સામે તપાસ થવી જોઇએ. મનપા કમિશનરે આ બાબતે માહિતી રજૂ કરવા સંબંધિત જુનિયર ઇજનેરને જણાવતા માહિતી ઉપલબ્ધ ના હોય, શો કોઝ નોટિસ આપવા ચીમકી આપી હતી. જો કે, બાદમાં એવું જાણવા મળ્યું હતું કે, આ ઇજનેર હમણા જ બદલી થઇને આવ્યા છે, તેથી આ માટે જવાબદાર અગાઉના જુનિયર ઇજનેર સામે કાર્યવાહી કરવા શાસક પક્ષ નેતાએ હૈયાધારણા આપી હતી.