કોવિડ-19ની સ્થિતિને જોતા CBSE, CISCE બાદ ગુજરાત માધ્યમિક બોર્ડે પણ આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ (Exam) રદ કરવાનો નિર્ણય લીધો છે. અન્ય રાજ્યો પણ આ દિશામાં વિચારી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે 12 પછી કેરિયરની કોઈ એક ફિલ્ડ પસંદ કરનાર વિદ્યાર્થીઓ કેવી રીતે આગળનો અભ્યાસ નક્કી કરશે એટલું જ નહીં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ (Result) કયા આધાર પર આપવામાં આવશે. રિઝલ્ટ માટે શિક્ષણ મંત્રાલયે કેટલાક વિકલ્પ તૈયાર કર્યા છે. જેમાં પહેલો છે-9મા, 10મા અને 11માં ધોરણ એમ ત્રણેયનું ઈન્ટરનલ અસેસમેન્ટ કરવામાં આવે. ત્યારબાદ તેના આધારે જ 12માં ધોરણનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે. બીજો વિકલ્પ છે કે જેમાં 10માં ધોરણના વિદ્યાર્થીની જેમ ઈન્ટરનલ અસેસમેન્ટનો (Assessment) રસ્તો અપનાવી શકાય છે. આ અંગે જલદી ફાઈનલ નોટિફિકેશન બહાર પડશે. ગુજરાતના વિદ્યાર્થીઓનું એસેસ્મેન્ટ પણ આ પ્રણાલીને આધાર થાય તેવી શક્યતા છે.
રિઝલ્ટને લઈને કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) બોર્ડે કહ્યું કે પરીક્ષા પરિણામ એક પ્રણાલીના આધારે તૈયાર કરવામાં આવશે, જેમાં શાળાઓ દ્વારા આયોજિત આંતરિક પરીક્ષાઓને પણ સામેલ કરાશે. શાળાઓને આવનારા સમયમાં આ પ્રણાલી અંગે સૂચિત કરી દેવાશે. રિઝલ્ટ જાહેર થયા બાદ જો કેટલાક વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સથી સંતુષ્ટ ન હોય તો તેવી સ્થિતિમાં CISCE આવા વિદ્યાર્થીઓને સ્થિતિ સારી થયા બાદ લેખિત પરીક્ષા આપવાનો વિકલ્પ આપશે.
કોલેજોમાં પણ હાલ ઓફલાઈન પરીક્ષા રદ કરવામાં આવી છે. એવામાં નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશનો મોટો પ્રશ્ન સર્જાઈ શકે છે. ધોરણ-12 પછી કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એટલો સરળ પણ હોતો નથી. યોગ્ય માર્ક મેળવ્યા પછી પણ વિદ્યાર્થીઓએ જે-તે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા પણ આપવી પડતી હોય છે. તેવામાં 12માં ધોરણના પરિણામ પછી પ્રવેશ પરીક્ષામાં પણ વિલંબ થશે. પરંતુ આવા વિદ્યાર્થીઓએ કોલેજમાં પ્રવેશ કરવા માટે અત્યારથી જ પરીક્ષાની તૈયારીઓ હાથ ધરી દેવી જોઇએ જેથી તેઓ તારીખ આવે ત્યાં સુધી માનસિક રૂપે તૈયાર પણ થઈ શકે. અન્ય પ્રોફેશનલ કોર્સિસ કે સ્ટ્રીમમાં જવા માટે પણ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા આપવી પડશે.
12માં ધોરણ પછી જે વિદ્યાર્થીઓ વિદેશ જવાની તૈયારી કરતા હોય છે, તેમના માટે પણ જુલાઇ-ઓગસ્ટમાં નવા સેશનની શરૂઆત થઈ શકે છે. અત્યારની કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશી યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવી રહી છે. જેથી તમામ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા માટે તૈયારીઓ હાથ ધરી દેવી જોઇએ. આ સમયગાળામાં 12માં ધોરણના પરિણામમાં પણ વિલંબ થઇ શકે છે એવામાં વિદ્યાર્થીઓએ આગળની દિશા નક્કી કરી તેમાં પ્રવેશ માટેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવી જોઈએ.