Columns

જુદા માણસ જુદી રીત

એક દિવસ સમ્રાટ ચન્દ્રગુપ્ત પોતાના એક વિશ્વાસુ અંગરક્ષક સાથે વેશ બદલીને પોતાના રાજમાં ફરવા નીકળ્યા.ફરતાં ફરતાં તેઓ એક ખંડેર જેવા મહેલમાં પહોંચ્યા. ત્યાં કોઈ નહોતું. રાજા મહેલમાં પ્રવેશ્યા ત્યાં તેમણે આશરો લીધો. મહેલમાં કોઈ હતું નહિ.થોડી વારમાં બાજુના નગરનો સેનાપતિ ત્યાં આવ્યો. રાજા ચન્દ્ર્ગુપ્તે તેમનું હાથ જોડીને અભિવાદન કર્યું અને કહ્યું, ‘પોતે માર્ગ ભૂલી ગયેલો મુસાફર છે. અહીં થોડો આરામ કરવા આશરો લીધો છે.તમે પણ આરામ કરી શકો છો.’

થોડી વાર થઈ અને એક ગામડિયો લાગતો ધોબી ત્યાં આવ્યો. તે પોતે ગધેડા પર બેઠો હતો અને પોતાના માથે કપડાનો ગાંઠડો રાખ્યો હતો.ચન્દ્રગુપ્ત તેને જોઇને સમજી ગયા કે થોડો મૂર્ખ લાગે છે.ધોબી મહેલમાં આવ્યો. રાજા ચન્દ્રગુપ્તે તેનું બહુમાન આપી સલામ કરી અભિવાદન કર્યું.ધોબી તો રાજી રાજી થઈ ગયો.રાજાએ તેને પણ કહ્યું, ‘પોતે માર્ગ ભૂલી ગયેલો મુસાફર છે. અહીં થોડો આરામ કરવા આશરો લીધો છે.તમે પણ આરામ કરી શકો છો.’

ધોબી અને સેનાપતિ સૂઈ ગયા.રાજા પણ આરામ કરી રહ્યા હતા.અંગરક્ષક કોઈને શંકા ન જાય તે રીતે બધે નજર રાખી રહ્યો હતો.ત્યાં થોડીવારમાં એક માણસ આવ્યો. તે રાજાને કહેવા લાગ્યો,‘આ મહેલની જવાબદારી મારી છે. તમે અહીં આમ રહી ન શકો?’ અંગરક્ષકે કહ્યું, ‘અમે માર્ગ ભૂલી ગયા એટલે અહીં આશરો લેવા આવ્યા અને ત્યારે અહીં કોઈ હતું નહિ.’ રાજા ચન્દ્રગુપ્ત તેમની વાત સાંભળી ઊઠ્યા અને તરત પોતાની પાસેથી બે ચાંદીના સિક્કા આપતા બોલ્યા, ‘ લો, આ ભેટ સ્વીકારો.’ પેલો માણસ લાલચુ હતો. તેણે તરત સિક્કા લઇ કહ્યું, ‘અહીં કોઈ રહેતું નથી. તમે ભલે આરામ કરો.’

અંગરક્ષકે રાજા ચન્દ્રગુપ્તને પૂછ્યું, ‘મહારાજ, આ ત્રણ જણ આવ્યા. તમે કોઈને તમારી ઓળખાણ ન આપી અને બધાંનું જુદી જુદી રીતે અભિવાદન કર્યું?’ રાજાએ કહ્યું, ‘તું મારો અંગત અંગરક્ષક છે એટલે મારા ગુરુજીએ આપેલી એક શીખ તને કહું છું.મારા ગુરુ ચાણક્યે મને સમજાવ્યું છે કે વ્યક્તિ જેવું હોય તે સમજી તેની સાથે તેવો વ્યવહાર કરવો, તો તે તમારાથી રાજી રહેશે. ‘કઠોરને નમન કરવા’એટલે પેલા સેનાપતિને મેં હાથ જોડી સ્વાગત કર્યું એટલે તેનો અહમ્ સંતોષાયો. તે ખુશ થયો. ‘મૂર્ખને વધુ સન્માન આપવું’ એટલે મેં પેલા માથે કપડાનો ગાંસડો મૂકી ગધેડા પર બેઠેલા ધોબીને કોઈ ન કરે તેવું સલામ ભરીને સન્માન આપ્યું.તે ખુશ થઈ ગયો. ’લાલચુને ભેટ આપો. ‘હમણાં ગયો તે માણસ કૈંક મેળવવાની લાલચે અહીં આવ્યો હતો. તેને મેં બે સિક્કા ભેટ આપી તેની લાલચ સંતોષી એટલે તે ખુશ થઇ ચાલ્યો ગયો. ‘ પોતાની પાસે ખોટું ના બોલવું’ એટલે તું મારો વિશ્વાસુ પોતાનો છે એટલે હું તને સાચી વાત કરું છું. તારાથી કંઈ છુપાવતો નથી. આ સાંભળી અંગરક્ષક પણ ખુશ થઇ ગયો.’ જેવા માણસ મળે તેની પ્રકૃતિ ઓળખી વર્તન કરવાથી આપણે તેમને ખુશ કરી સંતોષ આપી શકીએ છીએ.

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top