Madhya Gujarat

દાહોદમાં ઉ. મા. શાળાઓમાં ૧૪૮ શિક્ષકોની નિમણૂક

દાહોદ: રાજયમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં  શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણુંક હુકમ આપવા માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દાહોદ જિલ્લામાં પણ નવનિયુક્ત થયેલા ૧૪૮ શિક્ષકોને નિમણુંક આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે યોજાયો હતો. જે પૈકી કલેક્ટર વિજય ખરાડીએ ૧૫ શિક્ષકોને નિમણુંક પત્ર આપી શુભેચ્છાઓ આપી હતી.કલેક્ટર વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,  નવનિયુક્ત શિક્ષકોએ જિલ્લામાં શિક્ષણના સ્તરને નવી ક્ષિતિજો આપવા પોતાની તમામ શક્તિઓ લગાવી દેવાની છે.

આ માટે વહીવટી તંત્ર હંમેશા તેમની પડખે રહેશે. શિક્ષક વિદ્યાર્થીનું ભાવિ ઘડે છે, શિક્ષક વિદ્યાર્થી માટેની આજીવન પ્રેરણા બને છે. માટે દરેક શિક્ષકે ઉચ્ચ મૂલ્યો અનુસરીને વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ બનવું જોઇએ.અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ૧૪૮ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તેમાં જિવવિજ્ઞાનના ૪, રસાયણશાસ્ત્રનાં ૧, કોર્મસના ૨, કોમ્પ્યુટરનાં ૨, અર્થશાસ્ત્રના ૯, અંગ્રેજીના ૪૩, ભૂગોળનાં ૧, ગુજરાતીના ૧૬, હિન્દીનાં ૧૦, ઇતિહાસનાં ૮, તત્વજ્ઞાનનાં ૪, ભૌતિક વિજ્ઞાનનાં ૨, મનોવિજ્ઞાનનાં ૭, સંસ્કૃતનાં ૧૫, સમાજશાસ્ત્રનાં ૨૪ શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા સેવા સદન ખાતે ૧૫ શિક્ષકોને નિમણુંકપત્ર આપ્યા બાદ બાકીના શિક્ષકોને એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળા, દાહોદ ખાતે નિમણુંકપત્ર આપવામાં આવ્યા છે.

Most Popular

To Top