વડોદરા: (Vadodra) સમગ્ર મધ્ય ગુજરાતમાં કરોડો રૂપિયાના દારૂનો જથ્થો સપ્લાય કરનાર કુખ્યાત લાલુ સિંધિને જિલ્લા ક્રાઈમ બ્રાંચે (crime Branch) ઍકસપ્રેસ ટોલનાકા પાસેથી આબાદ ઝડપી પાડતા બુટલેગર (Bootlegger) આલમમાં ખળભળાટ મચી ગયો હતો. રાજકારણીઓના ચાર હાથ અને પોલીસ તંત્રની જ વિશાળ છત્રછાયા નીચે મધ્ય ગુજરાતમાં અંબાજીથી વાપી સુધીના વિશાળ વિસ્તારમાં વર્ષોથી દારૂનું ઍકચક્રી શાસન ભોગવતા નામચીન બુટલેગર લાલુ સિંધિ આખરે પોલીસ સકંજામાં સપડાઈ ગયો હતો.
મધ્ય ગુજરાતની પોલીસને વર્ષોથી હંફાવતો લાલુને પકડવા માટે પ્રત્યેક જિલ્લાની પોલીસ વચ્ચે હોડ જામી હતી. પરંતુ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે લાંબા અરસાથી વોચ રાખતા સફળતા સાંપડી હતી. ઍલસીબીને બાતમી મળી હતી કે, દારૂના નેટવર્કનો માંધાતા લાલચંદ ઉર્ફે લાલુ હિંમતદાસ ખાનાણી શહેરમાંથી અમદાવાદ રાજસ્થાન તરફ નાસી છૂટવાનો છે. ઍલસીબી પીઆઈ ડી બી વાળા પીઍસઆઈ ઍમ ઍમ રાઠોડ સહિતના સ્ટાફે ઠેરઠેર સતર્કતાપૂર્વક વોચ ગોઠવી દીધી હતી. દુમાડ ચોકડીથી પૂરઝડપે ઍસકોસી કાર ઍકસપ્રેસ ટોલનાકા તરફ નીકળી હતી. ઍલસીબીઍ સંકલન સાધીને ટીમને જાણ કરી હતી. ટોલનાકા પાસે કાર ધીમી પડતા જ ટીમે ચોતરફથી આંતરીને કારમાં સવાર લોકોને બહાર નીકળવા જણાવ્યું હતું. જેમાં કારચાલકની બાજુમાંથી લાલુ સિંધિ બહાર નીકળતા જ પોલીસ ટીમે દબોચી લીધો હતો.
પોલીસને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળેલ કે, શહેર તાલુકા સહિત અન્ય જિલ્લામાં પ્રોહીબીશનના સેંકડો ગુનામાં વોન્ટેડ લાલુને પકડવા માટે પોલીસ ઘોંસ વધતા રાજસ્થાન તરફ પલાયન થવા પ્રયાસ કર્યો હતો. ગુજરાતભરના ગેંગસ્ટરો અને બુટલેગરો સાથે ગાઢ ઘરોબો ધરાવતો લાલુ મધ્ય ગુજરાતમાં દારૂના નેટવર્ક નજીક કોઈને ફરકવા સુધ્ધા દેતો ન હતો. જેથી લાલુ ઝડપાતા જ હવે તેના અગણિત કારનામાનો પર્દાફાશ કરવા પોલીસ તંત્ર સજાગ બન્યું છે. આગામી દિવસોમાં લાલુના નેટવર્કનો પર્દાફાશ થતાં અનેક ચોંકાવનારી હકીકત સપાટી પર આવે તેવી શકયતા છે.