Gujarat

હાઈકોર્ટની ફટકાર- રાજ્ય સરકાર પાસે બીયુ પરમિશન અને ફાયર સેફટી અંગેની કોઈ માહિતી નથી

રાજ્યમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આકરા શબ્દોમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે ટેક્સની વસૂલીના ડેટા છે, પરંતુ ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનની કોઈ જ માહિતી નથી. હાઈકોર્ટે સરકારને અલગથી ફાયર સેફ્ટી વિભાગ બનાવવાનું સૂચન કર્યું હતું.

હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં લોકોને ફાયરસેફ્ટી શું છે ? તેની કોઈ જ જાણકારી નથી. તેથી ફાયર સેફટી અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવો જોઈએ. બીયુ પરમિશન વગર હોસ્પિટલો કેવી રીતે ચલાવી શકાય ? તેવો વેધક પ્રશ્ન કર્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે કોઈ અણબનાવ બને તેની રાહ જોવાની છે, છેલ્લા ૨૦ વર્ષથી આ મુદ્દે તમે શું કર્યું ? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની હોય. એન.ઓ.સી અને બીયુ પરમિશનના કાયદામાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, માત્ર કાગળ ઉપર કાર્યવાહી થતી હોય તેવું લાગે છે.

સરકાર પાસે ટેક્સની વસૂલી માટેના ડેટા છે, પરંતુ ફાયરસેફ્ટી અંગેનો કોઈ ડેટા નથી. હાઇકોર્ટ જ્યારે પણ ફટકાર લગાવે, ત્યારે ઇમારતો અને એકમોને સીલ મારો છો, પરંતુ યોગ્ય કાર્યવાહી થતી નથી, તો સીલ મારવાનો મતલબ શું ? શો-રૂમો નર્સિંગરૂમમાં તબદીલ કરી નાખવામાં આવ્યા છે, ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી લોકો કાયદાનું પાલન કરતા નથી. ગાંધીનગરમાં સચિવાલય, પોલીસ ભવન સહિતની ઇમારતોમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે. અમદાવાદમાં બીયુ પરમિશન વગર ઇમારતો વધતી જાય છે. વધતી ઇમારતો અને બીયુ પરમિશનનો કોઈ ચોક્કસ આંકડો છે ખરો ? આંકડો જાહેર કરવો જોઈએ તેમજ મ્યુકરમાઈકોસિસની સારવાર મફતમાં થવી જોઈએ.

Most Popular

To Top