નવી દિલ્હી: (Delhi) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં ધોરણ-12 સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની હાલની સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા લાંબા સમયથી ધોરણ-12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ અસમંજસની સ્થિતિમાં હતા. દેશના લાખો વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે ગુજરાત બોર્ડ દ્વારા મંગળવારે જ પરીક્ષાનો ટાઈમટેબલ પણ જાહેર કરી દેવાયો છે. એક તરફ પરીક્ષા અંગેની મીટિંગમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેઓનું આરોગ્ય અમારી પ્રાથમિકતા છે. ત્યારે હવે સવાલ એ છે કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા અને આરોગ્ય બાબતે પરીક્ષા અંગેનો પોતાનો નિર્ણય બદલશે કે કેમ?
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 23 મી મેએ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કર્યા પછી અને શિક્ષણમંત્રીએ મંગળવારે સવારે 11 વાગ્યે 12 મી બોર્ડની પરીક્ષાઓ બાબતે જાહેરાત કરવાના હતા. પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે આ શક્ય બન્યું નથી. જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 5:30 વાગ્યે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને બેઠકમાં પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે જેથી આ વર્ષે પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે.
સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, અને પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત હતા. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાઈ રહી છે.