દમણ-સેલવાસ: (Daman) સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાંથી વીક એન્ડ (Weekend) અને જાહેર રજાના દિવસોમાં લગાવાયેલો કરફ્યૂ પ્રશાસને હટાવવાનો નિર્ણય લીધો છે. પ્રદેશમાં ઘટી રહેલા કોરોનાના કેસને જોતા લોકોને રાહત સ્વરૂપે વીક એન્ડ કરફ્યૂને હટાવવામાં આવ્યો છે. જ્યારે દીવ જિલ્લામાં કરફ્યૂમાંથી (Curfew) રાહત હજી સુધી આપવામાં આવી નથી. જેને લઈ હવે શનિ-રવિવારના દિવસે પણ લોકો સવારથી લઈ રાત્રે 10 વાગ્યા સુધી પોતાની દુકાનો અને ધંધારોજગાર ચાલુ રાખી શકશે. જેથી હવે સુરતવાસીઓ પણ શનિ-રવિની રજામાં દમણ ફરવા જઈ શકશે.
છેલ્લા ઘણા સમયથી દાનહ અને દમણમાં કોરોનાના કેસો કુદકેને ભૂસકે વધતા રહ્યા હતા. શનિ રવિવાર તથા જાહેર રજાઓના દિવસે પર્યટકોનો જમાવડો દમણ અને સેલવાસમાં ઉમટી પડતો હતો. જેને લઈ કોરોનાના કેસમાં પણ ઉછાળો જોવા મળતા પ્રશાસને શનિ-રવિ તથા જાહેર રજાઓના દિવસે સંપૂર્ણ કરફ્યૂ રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી માર્ચ એપ્રિલની તુલનામાં કોરોનાની રફ્તાર ઘટી ફક્ત 10 ટકા જેટલા જ પોઝિટિવ કેસ નોંધાતા પ્રશાસને લોકોને રાહત મળે અને જીવન ચક્ર ફરી પાટે ચઢે એવા આશય સાથે શનિ-રવિ અને જાહેર રજાના દિવસે લાદવામાં આવેલા વીક એન્ડ કરફ્યૂને હટાવી દીધો છે. જેને લઈ હવે શનિ-રવિવારના દિવસે પણ લોકો સવારથી લઈ રાત્રે 10 વાગ્યા સુધી પોતાની દુકાનો અને ધંધારોજગાર ચાલુ રાખી શકશે. જેનો સીધો લાભ નાની લારીઓ, ખાણીપીણીનો વ્યવસાય કરતા નાના દુકાનદારોને મળશે.
રાત્રી કરફ્યૂમાં પણ લોકોને રાહત
પ્રશાસને રાત્રી કરફ્યૂના સમયમાં પણ રાહત આપી છે. અગાઉ રાત્રે 8 થી સવારે 6 સુધી કરફ્યૂ હતો. હવેથી દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી કરફ્યૂનો અમલ લોકોએ કરવાનો રહેશે. આ સિવાય સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનૈતિક, લગ્ન સમારોહમાં 50 તથા સ્મશાન યાત્રામાં 20 લોકોની જ અનુમતિ આપવામાં આવી છે. જેમાં કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.