સુરત: (Surat) સુરતમાંથી વોર્ડ નં-૪ અને વોર્ડ નં-૫ માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ૩૫થી વધુ સક્રીય કાર્યકરો ભાજપ (BJP) છોડીને આમ આદમી પાર્ટીમાં (AAP)માં જોડાયા હોવાની વાતને લઈ શહેર ભાજપના નેતાઓ દોડતા થયા હતાં. આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે એક મેસેજ ફરતો કર્યો હતો જેમાં આ 35 કાર્યકર્તાઓના ફોટા સહિતની માહિતી આપી હતી. શહેર ભાજપના વોર્ડ નં-4 અને 5માંથી ભાજપના હોદ્દેદારોના નામ સહિતની યાદી ફરતી થતાં શહેર ભાજપના નેતાઓ હોદ્દેદારોને મનાવવાના પ્રયાસમાં લાગી ગયા હતાં. બીજી તરફ આપ પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ભાજપના આ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આપની કાર્યપ્રણાલી, પ્રતિનિધીઓની નિષ્ઠા, કાર્યદક્ષતા, કાર્યકુશળતા, કુનેહ અને ઈમાનદારીથી થઈ રહેલા કામોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા (Join AAP) છે. હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં શહેર ભાજપમાં આ વાતને લઈ કેવા પડઘા પડશે.
સુરતમાં AAP ના ચુંટાયેલા પ્રતિનિધીઓની નિષ્ઠા, કાર્યદક્ષતા, કાર્યકુશળતા, કુનેહ અને ઈમાનદારીથી થઈ રહેલા કામોથી પ્રેરાઈને મંગળવારે આપ પાર્ટીમાં જોડાયા હોવા બાબતની એક પ્રેસનોટ આપ પાર્ટી દ્વારા વહેતી થઈ હતી. જેમાં સુરતના વોર્ડ નં-૪ અને વોર્ડ નં-પના ભાજપના હોદ્દેદારો આપમાં જોડાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ હોદ્દેદારોમાં વિપુલ સખીયા (વોર્ડ નં-૫, ભાજપ યુવા મોરચા મહામંત્રી) યાજ્ઞીક કાકડીયા (વોર્ડ નં-૫ યુવા મોરચા મંત્રી, ભાજપ) રુપેન લાખણકીયા, (વોર્ડ નં-૫, યુવા મોરચા કારોબારી સભ્ય, ભાજપ) મેહુલ સિધ્ધપરા (વોર્ડ નં-૫, કારોબારી સભ્ય, ભાજપ) જય લાખણકીયા (વોર્ડ નં-૪, યુવા મોરચા ઉપાધ્યક્ષ અને IT કન્વિનર, ભાજપ) તેમજ પ્રિત લાઠીયા (વોર્ડ નં-૪, યુવા મોરચા મંત્રી, ભાજપ) નો સમાવેષ થાય છે.
આપ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ઉપરોક્ત હોદ્દેદારો ઉપરાંત સ્વચ્છ છબી ધરાવતા 35થી વધુ યુવાનોની ટીમ અરવિંદ કેજરીવાલજીના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર વિરોધી દિલ્લી મોડલથી પ્રોત્સાહિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. નવા જોડાયેલ ઉત્સાહી યુવાનોનું આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત કરાયું હતું.
ભાજપ પણ કામે લાગ્યું: જે વોર્ડમાં હાર્યું છે તે વોર્ડની જવાબદારી પદાધિકારીઓને સોંપાઈ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) ભાજપનો 4 વોર્ડમાં સફાયો થયો હતો. અને કતારગામ અને વરાછાના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. જીત મળતા જ “આપ”ના નગરસેવકો જાણે એક્શન મોડમાં આવી ગયા છે. જીતના બીજા જ દિવસથી નગરસેવકો તેમના મત વિસ્તારમાં લોકોની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે આગળ આવી આવી કામ કરી રહ્યા છે. જેથી તેમની કામગીરીની વાહવાહી સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. જેના પગલે હવે ભારતીય જનતા પાર્ટીને (BJP) જાણે પરસેવો વળી રહ્યો હોય તેમ તેઓ પણ આ વિસ્તારમાં લોકોનાં દિલ જીતવા માટે તેમની સમસ્યાઓના નિવારણ માટે જશે એ માટે શહેર ભાજપ પ્રમુખે મનપાના પદાધિકારીઓને જવાબદારી સોંપી છે. મનપાના ચારેય પદાધિકારીને 2-2 વોર્ડ ફાળવી અપાયા છે અને તેમણે તે વોર્ડ દત્તક લઈ તે વોર્ડમાં લોકોની તમામ સમસ્યાઓના નિરાકરણ માટેની જવાબદારી લીધી છે. ત્યારે હવે વોર્ડ ન-4 અને 5 માંથી આટલી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાો આપમાં જોડાતા શહેર ભાજપને વધુ મેહનત કરવી પડે તેવું લાગી રહ્યું છે.