Vadodara

સરદાર એસ્ટેટ ચાર રસ્તાનું ટ્રાફિક આઈલેન્ડ તોડી પડાયું

વડોદરા : નાગરિકોના વેરાના પૈસે બાંધેલા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોના ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રથમ સંગમ ચાર રસ્તા પાસેનું ટ્રાફિકને નડતર રૂપ ટ્રાફિક આઈલેન્ડ તોડી પડાયા બાદ સોમવારે આજવા રોડ સરદાર એસ્ટેટ પાસેનું ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડવામાં આવ્યું છે.જ્યારે આગામી 4 દિવસમાં વધુ બે ખોડિયારનગર અને મહાવીર ચાર રસ્તા પાસેના ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડવામાં આવશે.જોકે પૂર્વ ચેરમેનની ભૂલને કારણે ટ્રાફિક આઈલેન્ડ બનાવવા પાછળ 25 થી 30 લાખ રૂ.નો ખર્ચો માથે પડ્યો હોવાના સવાલો ઉઠ્યા હતા.

વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પાલિકાની ગત ટર્મના સ્થાયી સમિતિના ચેરમેને લાખો રૂપિયાના ખર્ચે શહેરના સંગમ ચાર રસ્તા ,આજવારોડ, સરદાર એસ્ટેટ ચાર રસ્તા,ખોડિયાર નગર અને મહાવીર ચાર રસ્તા ઉપર ટ્રાફિક આઈલેન્ડ બનાવ્યા હતા.જોકે આ ટ્રાફિક આઈલેન્ડ બનતા ટ્રાફિકની સમસ્યા વધી હતી.અને જેના કારણે અનેક નાના મોટા અકસ્માતોના બનાવો તેમજ વાહનચાલકો અને નગરજનો હેરાનપરેશાન બન્યા હતા.જેથી અનેક અરજીઓ પાલિકાની વડી કચેરી ખાતે કરવામાં આવતા હાલના પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.અને નડતરરૂપ આઈલેન્ડ તોડી પાડવા નિર્ણય કર્યો હતો.સર્વપ્રથમ સંગમ ચાર રસ્તાનું ટ્રાફિક આઈલેન્ડ દૂર કરવામાં આવ્યું હતું.

જે બાદ ત્યાર બાદ આજવા રોડ સરદાર એસ્ટેટ પાસેનું ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઇ હતી.જોકે આ કામગીરીમાં 2 દિવસ એટલે કે 48 કલાકનો સમય વીતી જતા સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે સ્થાનિક વોર્ડ કચેરીના અધિકારીઓને કોઈના દબાણથી આ કામગીરી ધીમી ગતિએ કરી રહ્યા હોવાનું કહી અધિકારીઓને આડેહાથ લીધા હતા.જે બાદ સોમવારે સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસેનું ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડવા ઝડપ દર્શાવાઇ હતી.અને ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડવામાં આવ્યું હતું.જ્યારે આગામી 4 દિવસમાં ખોડિયારનગર 4 રસ્તા અને મહાવીર ચાર રસ્તાના ટ્રાફિક આઈલેન્ડ પર બુલડોઝર ફેરવી દેવાશે.

જ્યારે આ અંગે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે આ ટ્રાફિક આઇલેન્ડ પૂર્વ ચેરમેન દ્વારા બનાવાયા હતા.અને આ ટ્રાફિક આઈલેન્ડના કારણે ટ્રાફિકની સમસ્યા ઘણી સર્જાઈ હતી.લોકોની વારંવાર અરજીઓ કરવા છતાં પૂર્વ ચેરમેન દ્વારા તેને તોડવામાં આવ્યા ન હતા અને ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાઈ હતી.જ્યારે હાલના ચેરમેન દ્વારા આ ટ્રાફિક આઇલેન્ડ તોડી નાખ્યા છે.અને ટ્રાફીક વ્યવસ્થા સારી થઈ ગઈ છે. લોકોને વાહન ચલાવતાં ટર્ન મારવાની પણ સમસ્યા નથી રહી.

પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો ટ્રાફિક આઇલેન્ડ બનાવવા પાછળ 25 થી 30 લાખ રૂપિયા જેટલી માતબર રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને જાણવા મળેલ માહિતી મુજબ વર્ક ઓર્ડર પણ નથી આપ્યો.તો કહી શકાય કે વડોદરા શહેરની જનતાનાં નાણાં આડેધડ આ રીતે વાપરી રહ્યા છે તે ન વાપરવા જોઇએ અને પૂર્વ ચેરમેનની મતિ મારી ગઈ હતી.તેના કારણે ટ્રાફિક આઇલેન્ડ બન્યા છે.

પરંતુ હાલના ચેરમેને આ ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડયા છે.તે ઘણી સારી બાબત છે સાથે જોવા જઈએ તો ગત ચોમાસામાં ઘણાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વિદેશમાંથી પણ વૃક્ષો લાવવામાં આવ્યા હતા.જે અલકાપુરી જેવા વૈભવી વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો વાવવામાં આવ્યા હતા.તે તમામ વૃક્ષો સુકાઈને તૂટી ગયા છે.ત્યારે પણ વડોદરાના નગરજનોના વેરાના નાણાંનો વ્યય થયો હતો.

વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો અધિકારીઓ કોઈ પણ કાર્ય જ્યારે કરે ત્યારે 10 થી 15 વ્યક્તિઓના સૂચન લેવામાં આવે, વિરોધ પક્ષના પણ સૂચન લેવામાં આવે અને ત્યાર પછી જ કામગીરી કરવામાં આવે તો જનતાનાં નાણાં આ રીતે વેડફાય છે તે વેડફાવાનું બંધ થશે.સ્માર્ટ સિટી બનાવવાના આયોજનના ભાગરૂપે ક્યાંકને ક્યાંક વડોદરા મહાનગર પાલિકાની કચેરીઓના સંકલનનો પણ અભાવ છે.ક્યાંક કોઈ સંકલન નથી,તેના કારણે પણ અવ્યવસ્થા સર્જાઈ છે.

વડોદરા મહાનગર પાલિકામાં કોંગ્રેસની ચાર બાજુ છે જ્યારે ભાજપની ચાર પાંખ છે.ત્યારે વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ પોતાની પાંખો અલગ-અલગ ચલાવી રહ્યા છે.જેના કારણે વડોદરા શહેરના નાગરિકોના વેરાનું વળતર આપવાની જગ્યાએ આ નાણા અન્ય રીતે વેડફાઈ રહ્યા છે.જે ગંભીર બાબત છે.પાલિકાના મેયર ચેરમેન અને કમિશ્નરે આ બાબતની પણ નોંધ લેવી જોઈએ.

Most Popular

To Top