Gujarat

પ્રત્યેક ઘરોમાં ‘નળથી જળ’ પહોંચાડવા કેન્દ્રએ ગુજરાતને 3411 કરોડ ફાળવ્યા

દેશના પ્રત્યેક ઘરને ”નળથી જળ” પહોંચતું કરી દેવાની નિયમિત અને લાંબા ગાળાના અભિયાન અંતર્ગતની કેન્દ્ર સરકારના જળ મંત્રાલયની ”નેશનલ જલ જીવન મિશન” હેઠળની યોજનાના ભાગરૂપે કેન્દ્ર સરકારે વર્ષ-2021-22 માટે ગુજરાત સરકારને રૂ. 3410.61 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ પૈકીની રૂ. 852.65 કરોડની રકમ રાજ્ય સરકારને આપી પણ દેવાઈ છે. વર્ષ-2019-20 માટે આ યોજના અંતર્ગત માત્ર રૂ. 390.31 કરોડની ફાળવણી થઇ હતી, જે વર્ષ-2020-21માં વધારીને રૂ.883.08 કરોડ જેટલી કરી દેવામાં આવી હતી.

‘જલ જીવન મિશન: હર ઘર જલ’ યોજનાનો પ્રારંભ 15 ઓગસ્ટ, 2019ના રોજ થયો હતો. જેનો ઉદેશ વર્ષ-2024 સુધીમાં ગ્રામીણ લોકોનું અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓનું જીવનધોરણ સુધારીને પ્રત્યેક ઘર સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો. વર્ષ-2020-21માં ગુજરાતના 10.94 લાખ ગ્રામીણ ઘરો સુધી ”નળથી જળ” પહોંચતું કરી દેવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2021-22 સુધીમાં વધુ 10 લાખ ઘરો સુધી નળ મારફતે શુદ્ધ જળ પહોંચાડવાની યોજના છે. રાજ્યમાં 92.22 લાખ ગ્રામીણ આવાસો છે, જે પૈકીના 77.21 લાખ (આશરે 83%) ઘરો સુધી પાઇપથી પાણી પહોંચતું થાય છે.

ગુજરાતમાં આશરે 18,000 ગામડાઓ પૈકી 6700 ગામો એવા છે; જ્યાં 100% ઘરોમાં ”નળથી જળ” પહોંચી ચૂક્યું છે. વર્ષ-2020-21માં બીજા 5900 ગામોમાં 100% ઘરોને ”હર ઘર જળ” અંતર્ગત નળ દ્વારા પાણી પૂરું પાડવાની કામગીરી ચાલુ થઇ ગઈ છે. રાજ્યના 05 જિલ્લાઓના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં ”નળથી જળ” ઉપલબ્ધ છે. વર્ષ-2022ના અંત સુધીમાં રાજ્યના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં ”નળ થી જળ” પહોંચાડી દેવાશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી નજીકના મહિનાઓમાં રાજ્યના 23 જિલ્લાના 12,000થી વધુ ગામોને 100% ઘરોને ”હર ઘર જલ” આપીને નળથી પાણી પહોંચતું કરવાની યોજનાને પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 29754 ગ્રામ્ય શાળાઓ અને 42279 આંગણવાડી કેન્દ્રોમાં પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. 98.5 ટકા શળાઓ અને 91 ટકા આંગણવાડી કેન્દ્રોમાં હાથ ધોવા માટેની સગવડ પૂરી પાડવામાં આવી છે.

ગુજરાતે 20 ગામોમાં સ્માર્ટ વોટર મોનિટરિંગ હાથ ધર્યું
ગુજરાતમાં કુલ 86 જળ-પરીક્ષણ પ્રયોગશાળાઓ છે જેમાંથી આઠને એનએબીએલ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ગ્રામીણ ઘરોને પૂરા પાડવામાં આવતા નળના પાણીની કામગીરીની દેખરેખને મજબૂત બનાવવા માટે, ગુજરાતે 20 ગામોમાં સ્માર્ટ વોટર મોનિટરિંગ હાથ ધર્યું છે. દાહોદ જિલ્લામાં ચાર પાઇલટ પ્રોજેક્ટસની શરૂઆત થઈ ચુકી છે. રાજ્ય સરકાર આ વર્ષે આઇઓટી આધારિત સ્માર્ટ વોટર સપ્લાય મોનિટરિંગ માટે 500થી વધુ ગામડા આવરી લેવાની યોજના ધરાવે છે.

ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પુરો પાડવા માટે રૂ.1 લાખ કરોડના રોકાણનું ચાલુ વર્ષે આયોજન છે. જે પૈકી રૂ.50,000 કરોડનું બજેટ વર્ષ-2021-22માં ”જલ જીવન મિશન” હેઠળ જ્યારે રૂ.26,940 કરોડની ફાળવણી 15-માં નાણાંપંચ અંતર્ગત ”પંચાયતી રાજની સંસ્થાઓમાં સેનિટેશન”ના ભંડોળ સાથે ભાગીદારીથી ફાળવવામાં આવશે.

Most Popular

To Top