સુરત: (Surat) શહેરમાં અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા કોર્પોરેટરના (Lady Corporator) ભત્રીજાના લગ્ન પૂર્વે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કરફ્યુના સમયે મોટી સંખ્યામાં ભીડ ભેગી કરવા અંગેની જાણ થતાં ખટોદરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલથાણ કેનાલ રોડ પર સાઈ કેજી બંગ્લોઝમાં રહેતા 50 વર્ષીય સંજય હરીલાલ મહાત્મા કાપડ વેપારી છે. 31 મે ના રોજ તેમના પુત્રના લગ્ન હતા. તેના આગલા દિવસે 30 મે ના રોજ રાત્રે કરફ્યુના (Curfew) સમયે તેમના દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.
આ અંગે ખટોદરા પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પહોંચીને કાર્યક્રમના આયોજન અંગે પુછતા સંજયભાઈએ તેમના પુત્રના લગ્ન હોવાથી આયોજન કર્યું હોવાનું કહ્યું હતું. ખટોદરા પોલીસે તેમની સામે જાહેરનામા ભંગનો, એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી. સંજયભાઈના ભાઈ મુકેશભાઈની પત્ની મનિષાબેન મહાત્મા કોટ વિસ્તારમાં ભાજપની કોર્પોરેટર છે. જેથી તે અંગેનો રોફ જમાવી ફરિયાદ નહીં દાખલ થાય તે માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો.
ફાર્મહાઉસમાં જન્મદિવસની ઉજવણી કરનાર કોન્સ્ટેબલ મહાવીરસિંહ સસ્પેન્ડ
સુરત : કામરેજના ફાર્મહાઉસમાં જન્મદિવસની ઉજવણી કરનાર પુણા પોલીસ મથકના કોન્સ્ટેબલને સસ્ટેન્ડ કરવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલ મહાવીરસિંહની સામે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જો કે તેને જામીન ઉપર મુક્ત કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પુણા પોલીસમથકમાં ફરજ બજાવતા મહાવીર મકવાણા નામના પોલીસ કોન્સ્ટેબલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાત્રિના કરફ્યૂના સમયે કોન્સ્ટેબલ કામરેજના એક ફાર્મહાઉસમાં ગયા હતા અને ત્યાં લક્ઝુરિયસ કારના સરરૂફમાંથી ઉપર બેઠો હતો.
આ સમગ્ર વિડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. લક્ઝુરિયસ કારની ચારેય તરફ બર્થ-ડે ક્રેકર્સ લગાડવામાં આવી હતી. જાણે કે મોટા વીઆઇપી વ્યક્તિના જન્મદિવસની ઉજવણી થઇ રહી હોય તેવી રીતે કાર ઉપર સવાર થઇને આવી મહાવીર મકવાણાનો જન્મદિવસ ઉજવાયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસમાં મહાવીરસિંહ સામે ગુનો નોંધાયો હતો. જો કે, તેને જામીન ઉપર મુક્ત કરી દેવાયો હતો. બીજી તરફ સોમવારે મહાવીરસિંહને સુરત પોલીસ દ્વારા સસ્પેન્ડ કરતો હુકમ કરાયો હતો.