SURAT

સુરત ડાયમંડ બુર્સ તરફથી હીરા ઉદ્યોગકારોને વ્યાજમાં 50 ટકાની મોટી રાહત

સુરત: (Surat) કોરોનાકાળમાં વેપાર ઉદ્યોગની હાલત કફોડી છે. વેચેલા માલનું પેમેન્ટ નહીં આવતા હીરા ઉદ્યોગકારોની (Diamond Industrialist) હાલત કફોડી થઇ છે. તેવામાં સુરત ડાયમંડ બુર્સ (Diamond Bourse) તરફથી સભ્યોને વ્યાજમાં 50 ટકાની મોટી રાહત જાહેર કરવામાં આવી છે. જે સભ્યોએ વ્યાજ ભર્યું હોય તેને પરત કરવામાં આવશે. હાલમાં પ્રવર્તી રહેલી કોવિડ-19ની વિકટ પરિસ્થિતિના પગલે આ રાહત સ્કીમ જાહેર કરવામાં આવી છે.

સરસાણા ખાતે તૈયાર થઇ રહેલા સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ બુક કરાવનાર સભ્યો માટે રાહત સ્કીમ જાહેર કરવામાં આવી છે. સુરત ડાયમંડ બુર્સે આજે એક પત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે હાલ સુધીમાં ઓફિસ તેમજ પાર્કિંગ પેટે હપ્તાની રકમ ભરવાની બાકી હોય અથવા ફક્ત વ્યાજની રકમ ભરવાની બાકી હોય તો ભરવાની થતી વ્યાજની રકમ પર 50 ટકા રાહત આપવામાં આવશે. એટલે કે હપ્તાની રકમ મંગાવવાની જે આખરી તારીખ હોય તેનાથી 3 મહિનાના વિલંબ સુધી વાર્ષિક 18 ટકાના બદલે 9 ટકા લેખે સાદું વ્યાજ અને 3 મહિનાથી વધારાના વિલંબ પર 18 ટકાના બદલે 9 ટકા લેખે ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં આવશે.

તેમજ સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ પર 12 ટકા જીએસટી અલગથી આપવાનો રહેશે. વ્યાજમાં રાહતની સ્કીમનો લાભ મેમ્બર 1 જૂન થી 30 જૂન સુધીમાં બાકી રહેતા હપ્તાની સંપૂર્ણ રકમ વ્યાજ સહિત ભરશે તેમને જ આપવામાં આવશે. ત્યાર બાદ વાર્ષિક 18 ટકા લેખે જ વ્યાજ વસૂલાશે. આ સાથે જ જે સભ્યોએ 100 ટકા વ્યાજ આપ્યું છે તેને 50 ટકા બાદ કરી પરત આપવામાં આવશે.

કાપડ માર્કેટમાં બપોરે 3 વાગ્યાથી જ ચેકિંગ શરૂ થઈ જતાં વેપારીઓ નારાજ

સુરત: કાપડ માર્કેટમાં હાલ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાન ખોલવાનો સમય છે. જો ત્યાર બાદ દુકાના ચાલુ રાખવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવે છે. દુકાનો 3 વાગ્યે બંધ થાય ત્યાર બાદ તરત જ પોલીસ દ્વારા ચેકિંગ શરૂ કરી દેવાય છે, તેના લીધે વેપારીઓમાં દોડધામ મચી જાય છે અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે, જેથી પોલીસે ચેકિંગનો ટાઈમ 4 વાગ્યાનો કરવો જોઈએ તેવી રજૂઆત આજે સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા સલાબતપુરા પોલીસને કરવામાં આવી હતી.

સાઉથ ગુજરાત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશનનું પ્રતિનિધિમંડળ આજે સલાબતપુરા પીઆઈ કિકાણીને મળી રજૂઆત કરી હતી કે, 3 વાગ્યે માર્કેટ બંધ થઈ જાય ત્યાર બાદ બહાર નીકળતા સમય અડધોથી એક કલાકનો સમય લાગે છે, પરંતુ પોલીસ તરત જ ચેકિંગ શરૂ કરી દેતી હોય દોડધામ મચી જાય છે. ચેકિંગનો સમય 3ના બદલે 4 વાગ્યાનો કરવો જોઈએ. એસોસિએશનના પ્રમુખ સાંવરપ્રસાદ બુધિયા અને મહામંત્રી સુનિલ કુમાર જૈને કહ્યું કે, પોલીસ ઈન્સ્પેક્ટરે યોગ્ય ઉકેલની ખાતરી આપી છે.

Most Popular

To Top