સુરત: (Surat) શહેરમાં બનતી આગની દુર્ઘટના અટકાવવા માટે પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી (Fire Safety) ન ધરાવતી હોસ્પિટલ અને કોમ્પેલક્ષમાં સર્વની કામગીરી કરવામાં આવી રહી છે. દરમ્યાન અગાઉ નોટીસ (Notice) આપવા છંતા પણ ફાયર સેફ્ટી ઉભી ન કરનાર શહેરની 18 હોસ્પિટલ અને 2 કોમ્પ્લેક્ષની 100 દુકાનો સીલ કરવામાં આવી હતી.
ફાયર વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના તમામ ઝોનોમાં રહેલી હોસ્પિટલમાં સર્વે હાથ ધર્યો હતો. જેમાં ફાયર સેફ્ટીના સાધનો ન ઉભા કરનારી 18 હોસ્પિટલોને સિલ કરવામાં આવી હતી. આ સાથે જ રાંદેરના શ્રીનાથ કોમ્પ્લેક્ષની 78 દુકાનો અને કતારગામના માનસરોવર કોમ્પ્લેક્ષની 22 દુકાનો પણ ફાયર સેફટીના અભાવે સિલ કરવામાં આવી હતી.
શહેરની આ હોસ્પિટલો સીલ કરાઈ
યોગીચોકની ચિરાયું મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, વિશ્વા હોસ્પિટલ, મંત્રા હોસ્પિટલ, મંનત ચિલ્ડ્રન હોસ્પિટલ, બમરોલીની શ્રી હરિ ચિલ્ડ્રન હોસ્પિટલ, પાંડેસરાની પ્રિય હોસ્પિટલ, જીવન શક્તિ હોસ્પિટલ, શુભ હોસ્પિટલ, તૂલી હોસ્પિટલ, ગોડાદરાની શ્રી સાઇ હોસ્પિટલ, સીટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, લિંબાયતની પંકજ જનરલ હોસ્પિટલ, પરવટ પાટિયાની એપેક્ષ હોસ્પિટલ, કલ્પ હોસ્પિટલ, વેડ દરવાજાની કલ્યાણી ગૃપ ઓફ હોસ્પિટલ, મક્કાઇપુલ પાસેની નૃપૃર હોસ્પિટલ, લાલદરવાજાની રૂષી ચિલ્ડ્રન હોસ્પિટલ, રામપુરાની અભિષેક હોસ્પિટલોને સીલની કામગીરી કરવામાં આવી હતી.
ન્યુ બુરહની હોસ્પિટલમાં રવિવારે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ
સુરત: સેન્ટ્રલ ઝોન વિસ્તારના મહિધરપુરાની ન્યુ બુરહની હોસ્પિટલમાં રવિવારે સવારે 11 કલાકે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગનો કોલ ફાયર વિભાગને મળતા ઘાંચીશેરી, મુગલીસરા અને નવસારી બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં લાશ્કરોએ 3 દર્દીઓનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. અને હોસ્પિટલના સ્ટાફના 25 લોકોને ફાયર ફાઇટિંગની પ્રાથમિક તાલીમ આપી હતી. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં નર્સીગ સ્ટાફ, વોર્ડ બોય, કામદારો સહીત કુલ 21 અને રાંદેર વેલોસીટી હોસ્પિટલમાં કુલ 30 વ્યકિતને ફાયર ફાઇટિંગની પ્રાથમિક તાલીમ આપી હતી.
ચોકબજાર ચશ્માની દુકાનમાં શોર્ટસર્કિટથી આગ
સુરત: ચોકબજારમાં ડીસીબી ઓફિસ સ્થિત એક ચશ્માની દુકાનમાં રવિવારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની મુગલીસરા ફાયર સ્ટેશનને જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં લાશ્કરોએ ગણતરીની મિનીટમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં, વાયરિંગ, ફનિર્ચરને નુકશાન થયું હતું. આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું.