SURAT

હવે ભાજપ પણ કામે લાગ્યું: જે વોર્ડમાં હાર્યું છે તે વોર્ડની જવાબદારી પદાધિકારીઓને સોંપાઈ

સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election) ભાજપનો 4 વોર્ડમાં સફાયો થયો હતો. અને કતારગામ અને વરાછાના 4 વોર્ડમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. જીત મળતા જ આપના નગરસેવકો જાણે એક્શન મોડમાં આવી ગયા છે. જીતના બીજા જ દિવસથી નગરસેવકો તેમના મત વિસ્તારમાં લોકોની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે આગળ આવી આવી કામ કરી રહ્યા છે. જેથી તેમની કામગીરીની વાહવાહી સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. જેના પગલે હવે ભારતીય જનતા પાર્ટીને (BJP) જાણે પરસેવો વળી રહ્યો હોય તેમ તેઓ પણ આ વિસ્તારમાં લોકોનાં દિલ જીતવા માટે તેમની સમસ્યાઓના નિવારણ માટે જશે એ માટે શહેર ભાજપ પ્રમુખે મનપાના પદાધિકારીઓને જવાબદારી સોંપી છે. મનપાના ચારેય પદાધિકારીને 2-2 વોર્ડ ફાળવી અપાયા છે અને તેમણે તે વોર્ડ દત્તક લઈ તે વોર્ડમાં લોકોની તમામ સમસ્યાઓના નિરાકરણ માટેની જવાબદારી લીધી છે.

શહેરમાં કોરોનાની બીજી લહેર બાદ શહેરમાં ચોમેરથી ભાજપ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. લોકોને કોવિડ મહામારીને કારણે જે રીતે સવલતો મેળવવા માટે તરફડવું પડ્યું છે અને તેમનાં સ્વજનો ગુમાવ્યાં છે. ત્યાર બાદ ભાજપના મંત્રી, નેતા, ધારાસભ્ય, સાંસદો પર લોકો રોષે ભરાયા છે. તેથી હવે ભાજપે શહેરભરમાં તો લોકો માટે કામ કરવા આગળ આવી જ રહ્યા છે. પરંતુ જે વોર્ડમાં ભાજપની હાર થઈ છે તે વિસ્તારોમાં પણ ભાજપ કામ કરશે. જેની જવાબદારી પદાધિકારીઓને સોંપાઈ છે. જેમાં મેયર હેમાલી બોઘાવાલાને વોર્ડ નં.7 અને 8, સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલને વોર્ડ નં.4 અને 5, ડે.મેયર રમેશ જોધાણીને વોર્ડ નં.2 અને 3 તેમજ શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂતને વોર્ડ નં.16 અને 17ની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં તેઓ ભાજપના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, સ્થાનિક કાર્યકર્તાઓના સંપર્કમાં રહી કામગીરી કરશે.

મેયરે વોર્ડ નં.8માં મહિલા મોરચા પ્રમુખ સાથે પિંક ઓટો રિક્ષામાં બેસી રાઉન્ડ લીધો
મેયર હેમાલી બોઘાવાલાને વોર્ડની જવાબદારી મળતાં જ તે વોર્ડ નં.8માં આંગણવાડી, હેલ્થ સેન્ટર, વેક્સિનેશન સેન્ટરોની મુલાકાત લીધી હતી. તેમજ આ વોર્ડ વિસ્તારમાં કચરાના નિકાલની વ્યવસ્થા ચકાસી હતી અને તે માટે સ્થાનિક કોર્પોરેટરો સાથે મળી અધિકારીઓને જરૂરી કામગીરી માટે સૂચના પણ આપી હતી. સાથે સાથે વોર્ડ નં.8નાં મહિલા મોરચાના પ્રમુખ સાથે પિંક ઓટો રિક્ષામાં બેસી આ સમગ્ર વોર્ડ વિસ્તારનો રાઉન્ડ લીધો હતો.

Most Popular

To Top