સુરત: (Surat) કોરોનાની મહામારી બાદ શહેરમાં બેરોજગારીનું પ્રમાણ વધતા તણાવમાં આવી આપઘાતના (Suicide) કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. શહેરના પુણા કુંભારીયા ખાતે બિલ્ડિંગના પાર્કિંગમાં આજે રત્નકલાકારનો (Diamond Worker) ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રત્નકલાકારે બેકારીથી કંટાળી આર્થિંક સંકડામણમાં આપઘાત કર્યો હોવાની સંભાવના સેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટાનો રહેવાસી અને હાલ પુણા- કુંભારીયા સારથી કોમ્પ્લેક્ષમાં રહેતો 38 વર્ષિય સંજય નાથાભાઇ ખટરીયા રત્નકલાકાર હતો. તે કોરોના કાળમાં પરિવાર સાથે વતન જતો રહ્યો હતો. જયાંથી બે મહિના પહેલા ફરી રોજગારી માટે સુરત આવ્યો હતો. પરંતુ તે બે મહિનાથી બેરોજગારીનો સામનો કરી રહ્યો હતો. સંજયભાઇ શુક્રવારે સાંજે સાડાચાર વાગ્યે પાર્કિંગમાં કારમાંથી બેભાન અવસ્થામાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તેના ભાઇને જાણ થતા તે તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જયાં તબીબોએ સંજયને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકના પેટમાંથી ઝેરી દવાના અંશો મળી આવ્યા હતા. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. વધુમાં સંજય માતાવાડીમાં રહેતા તેના એક મિત્ર પાસેથી કાર લાવ્યો હતો.
પતિએ કોરોનામાં હનીમૂન કરવા જવાની ના પાડતા પત્નીએ ફાંસો ખાધો
સુરત: શહેરના ગોડાદરા ખાતે રહેતા પતિએ ફરવા જવાની ના પાડતા રિસાઈ ગયેલી પત્નીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૂળ યુપીના રાયબરેલીના વતની અને હાલ ગોડાદરા લક્ષ્મણ નગરમાં રહેતો દેવેન્દ્ર દિક્ષિત મોડલિંગ પ્રિન્ટીંગનું કામ કરે છે. 25 દિવસ પહેલા જ દેવેન્દ્રના રૂપાલી (ઉ.વ.17) સાથે યુપીના રાયબરેલીમાં લગ્ન થયા હતા. દેવેન્દ્ર થોડા દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. નવા નવા લગ્ન થયા હોવાથી ગઈકાલે સવારે રૂપાલીએ પતિ દેવેન્દ્રને ફરવા જવાનું કહ્યું હતું. પરંતુ પતિ દેવેન્દ્રએ હાલમાં કોરોનાને કારણે વાતાવરણ સારુ નહીં હોવાનું કહી રૂપાલીને ફરવા જવાની ના પાડી હતી. જેના કારણે રીસાઇ ગયેલી રૂપાલીએ ઘરના પહેલા માળે રૂમમાં સૂઇ જવા માટે જવાનું કહી ગઈ હતી. દરમિયાન દોઢેક કલાક બાદ ઘરમાં પાવર ચાલ્યો જતા દેવેન્દ્ર પત્ની રૂપાલીને ઉઠાડવા માટે ગયો હતો. રૂપાલીએ દરવાજો નહીં ખોલતા દેવેન્દ્ર ચિંતામાં મુકાઇ ગયો હતો. દેવેન્દ્રએ બારીમાંથી જોતા પત્ની રૂપાલી છત પરના પંખાની હુંક સાથે કપડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પતિ દેવેન્દ્રએ ગોડાદરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ લઇ આગળની તપાસ શરૂ કરી છે.