નવી દિલ્હી: (Delhi) વૈજ્ઞાનિકોએ કોરોના પરીક્ષણની એક નવી તકનીક વિકસાવી છે, જેની મદદથી માત્ર ત્રણ જ કલાકમાં કોરોના છે કે નહીં તે જાણી શકાશે. આ પરીક્ષણમાં કોરોના (Corona Test) ફક્ત ગાર્ગલિંગ એટલેકે કોગળા (Gargle) દ્વારા જ શોધી શકાય છે. તેને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) (ICMR) દ્વારા પણ મંજૂરી આપી દેવાઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લોકોને કોરોના તપાસવા માટે ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે, નિષ્ણાંતો આ પરીક્ષણ પદ્ધતિને આવા સ્થાનો માટે વરદાન માની રહ્યા છે.
કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે એક એવી ટેકનીક વિકસાવી છે જેની મદદથી માત્ર ત્રણ કલાકમાં ખ્યાલ આવી જશે કોરોના છે કે નહીં. તેમાં કોગળા કરી કોરોના વિશે જાણકારી મેળવી શકાશે. આઈસીએમઆરે આ ટેકનીકને મંજૂરી આપી દીધી છે. કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ઘણીવાર કોરોના ટેસ્ટિંગના રેકોર્ડ બન્યા છે. પરંતુ લોકોને વધુ વિશ્વાસ આરટી-પીસીઆર ટેસ્ટ પર હોય છે. જોકે ક્યારેક તેના પરિણામોમાં પણ અચોક્કસતા જોવા મળે છે. ત્યારે આ નવી ટેકનિક વધુ સરળ અને સચોટ સાબિત થઈ શકે છે.
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચે કોરોનાની તપાસ માટે લોકોને આ ચોક્કસ તકનીક વિશે માહિતી આપી છે. આ વિશિષ્ટ તકનીકને સામાન્ય આરટી-પીસીઆર પરીક્ષણ જેવા સ્વેબની જરૂર રહેશે નહીં. હવે લોકો ઘરે બેસીને ચેપ સરળતાથી શોધી શકશે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનને આ તકનીકીને નોંધપાત્ર ગણાવી છે. તેમણે કહ્યું કે આ તકનીકથી કોરોનાની તપાસ ઝડપી કરવામાં આવશે. આ પ્રકારનું કોરોના પરીક્ષણ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
કઈ રીતે થશે ટેસ્ટ?
આ ટેસ્ટમાં સ્વેબનું કલેક્શન જરૂરી નથી. તેમાં એક ટ્યૂબ હશે, જેમાં સલાઇન હશે. લોકોને કોરોનાની તપાસ માટે આ સલાઇનને મોઢામાં નાખી અને પછી 15 સેકેન્ડ સુધી કોગળા કરવાની જરૂર પડશે. જ્યારે તે વ્યક્તિ કોગળા કરી લેસે પછી તેણે ટ્યૂબમાં થુકવુ પડશે અને ટેસ્ટિંગ માટે આપવું પડશે. આ અંગે નીરીના પર્યાવરણ વાયરોલોજી સેલના સીનિયર વૈજ્ઞાનિક ડો. કૃષ્ણા રૈરનારે જણાવ્યુ કે સેમ્પલ કલેક્શનને સરળ અને પેશન્ટ ફ્રેન્ડલી બનાવવા માટે નીરીએ વિચાર્યુ હતું. ઓછામાં ઓછી પેશન્ટને તકલીફ આપી કલેક્શન કરી શકાય. સલાઇનને પીવુ પડે છે અને પછી કોગળા કરવા પડે છે. ત્રણ કલાકમાં અમે આરટી-પીસીઆર વાળો રિપોર્ટ આપી શકીશું.