મહાત્મા ગાંધીજીનું સૂત્ર છે ‘સત્ય એ જ પરમેશ્વર.’ કોઇ પણ સામાજિક, રાજકીય કે આર્થિક બાબતમાં સત્યને સાબિત કરવાની જરૂર રહેતી નથી જયારે અસત્યમાં છુપાયેલાં સત્યો સમય આવ્યે જરૂર બહાર પડે જ છે. દેશ વિશ્વગુરુ બનવા જઇ રહ્યો છે એવી બુમરાણ છેલ્લાં કેટલાંયે વર્ષોથી મચાવવામાં આવે છે ત્યારે વાસ્તવિક સ્થિતિ કેવી છે તે વિશ્વમાં પ્રસરી રહેલા કોરાનાની મહામારીએ બતાવી દીધી કેમ કે ગામડાંઓમાં આરોગ્ય અને શિક્ષણની પૂરતી સુવિધાઓ નથી. કોરોનાની બીજી લહેરમાં ગામડાંઓ લપેટમાં આવી જતાં દર્દીઓને સારવાર માટે શહેરમાં જ લાવવામાં આવતાં હતાં. જો કે ગરીબ અને વિકસિત દેશમાં તુર્ત જ બધી સગવડો ઊભી ન કરી શકાય એ સમજી શકાય તેવી બાબત છે એટલે પ્રથમ તો આરોગ્યની સંપૂર્ણ સુવિધા સાથેના દેશ બનવાના પ્રયાસો કરવાની જરૂર છે.
તે જ રીતે ગામડાંઓમાં હજુ પૂર્ણ કક્ષાની કોલેજો સ્થાપી શકયા નથી અને અધૂરામાં પૂરું સરકાર શાળાઓ બંધ કરવાના કે મર્જ થવાના સમાચાર પ્રસિદ્ધ થાય ત્યારે એમ થાય કે સાક્ષરતાના દરને ઊંચે લઇ જવો હોય તો તે કયારે શકય બને. સરકારી શાળા બંધ થવાથી મર્યાદિત આવક ધરાવતાં વાલીઓનાં બાળકો, પ્રાથમિક શિક્ષણ જ ન લઇ શકશે. કોઇ પણ દેશની સક્ષમતાનું માપ તે દેશની શિક્ષણ અને આરોગ્ય સેવાઓ કેવી છે તે ઉપરથી થાય છે. આમ દેશની સામાજિક, આર્થિક, શૈક્ષણિક સ્થિતિનો સ્વીકાર કરી પ્રથમ તેમને ઊંચે લઇ જવાના પ્રયત્નો કરી દેશને વિશ્વગુરુ બનવાનાં સપનાં જોઇએ.
સુરત-ચંદ્રકાંત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.