ઈન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર સહિત પર વસૂલાતા ઊંચા જી.એસ.ટી. દરથી નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસિવિર અને ઓક્સિજન કન્સટ્રેટર સહિતની માનવજીંદગી માટેની જરૂરિયાતની વસ્તુઓને જી.એસ.ટી.માં માફી- રાહત આપવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કરી છે.
ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વેક્સિન, રેમડેસિવિર અને ઓક્સિજન કન્સટ્રેટર આ ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે. જી.એસ.ટી.ના ઊંચા દરથી વસુલાતા ૬૦૦૦ કરોડની બચતથી ૧૨ લાખ ઓક્સિજન કન્સટ્રેટર ખરીદી શકાય, ૧ લાખ ૨૦ હજાર નવા વેન્ટિલેટર હોસ્પિટલમાં સ્થાપિત કરી શકાય. આ ૬૦૦૦ કરોડ રૂપિયામાંથી ૨૦ કરોડ નાગરિકોને વેક્સિન આપી શકાય.
દોશીએ વધુમાં કહ્યું હતું કે માત્ર કોવિશિલ્ડ વેક્સિનથી ૧૯૬૮ કરોડ જી.એસ.ટી. કેન્દ્ર સરકાર વસૂલે છે, કેન્દ્ર સરકાર જે વેક્સિનના ડોઝ તે ગણત્રીમાં લીધા નથી. રાજ્ય અને ખાનગી હોસ્પિટલો જે વેક્સિન ખરીદે તે કોવિશિલ્ડના ૧૯૬૮ કરોડ રૂપિયા જી.એસ.ટી. એક વર્ષમાં વસૂલવામાં આવશે. કોવાક્સિનમાં રાજ્ય અને ખાનગી હોસ્પિટલો પાસેથી ૧૦૫૦ કરોડ રૂપિયા જી.એસ.ટી. વસૂલવામાં આવશે.
માત્ર વેક્સિન પર કુલ ૩૦૧૮ કરોડ રૂપિયા જેટલો માતબર જી.એસ.ટી. કેન્દ્ર સરકાર વસૂલ કરી રહી છે. ઓક્સિજન કન્સટ્રેટરની ૩૬ લાખની માંગ છે. એકની ૫૦,૦૦૦ રૂા. કિંમત ગણીએ તો કેન્દ્ર સરકાર ૧૪૪૬ કરોડ રૂપિયા જી.એસ.ટી. રાજ્ય અને ખાનગી હોસ્પિટલો પાસેથી ઓક્સિજન કન્સટ્રેટર પર કેન્દ્ર સરકાર વસૂલ કરી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શનની ૬ કરોડ જેટલી માંગ પ્રતિવર્ષ ગણત્રીએ ૧૪૪૬ કરોડ જેટલો જી.એસ.ટી. આમ રેમડેસિવિર અને ઓક્સિજન કન્સટ્રેટર પર કુલ રૂ. ૨૮૯૨ કરોડ પ્રતિવર્ષ જી.એસ.ટી. રાજ્યો અને ખાનગી હોસ્પિટલો પાસેથી વસૂલાત કરી રહી છે