સુરત : પાંડેસરા પોલીસ (PANDESARA POLICE)ની રહેમનજર હેઠળ ડુંડી ગામના કુખ્યાત બુટલેગર (BOOTLEGGER) કાલુના લગ્ન સમારોહ (MARRIAGE FUNCTION)માં કર્ફ્યુ (NIGHT CURFEW) છતાં મોટી મેદની ભેગી થયાનો વીડિયો વાઇરલ (VIDEO VIRAL) થયા પછી પોલીસ કમિશનર અજય તોમરને ફરિયાદ મળતાં પાંડેસરા પોલીસને દરોડો (RAID) પાડવાનો આદેશ આપતા પાંડેસરા પોલીસે 25 લોકોની મોડી રાતે ધરપકડ કરી હતી. જોકે બુટલેગર કાલુને દરોડાની આગોતરી માહિતી મળી જતાં નાસી છૂટયો હતો. પાડેસરા પોલિસની ભૂમિકા આ ઘટનાથી શંકાસ્પદ જણાઈ રહી છે.
પોલીસ કમિશ્નરનો આદેશ મળતાં જ પાંડેસરા પીઆઈ,ડિસ્ટાફ અને કેશિયર રાજુ સહિતની ટીમના હોશકોશ ઉડી ગયા હતા, સિંગણપોર-ડભોલી પીઆઇ ના વિદાય સમારંભના મેળાવડા પછી બુટલેગર કાલુના લગ્ન સમારોહની મેદનીનો વીડિયો વાઇરલ થતા પાંડેસરા પોલીસની બુટલેગર સાથેની સાંઠગાંઠ ઉઘાડી પડી હતી.પોલીસની રહેમ નજર હેઠળ આ મિજબાનીનો સમારોહ શક્ય ન હતો.આવતી કાલે બુટલેગર કાલુના લગ્ન થવાના હતા તે પહેલા આજે ગુરૂવારે રાત્રે જમણવારનો મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં ડુંડી ગામ અને આસપાસના ગામના લોકો ભેગા થયા હતા. બુટલેગર અને પોલીસની સીધી સાઠગાંઠ હોવાથી મોટાપાયે મંડપ બાંધી ડીજે ના ડાન્સ સાથે ભોજન સમારોહ યોજાયો હતો. આ ઘટનામાં મોડી રાતે પોલીસે આ મામલે બુટલેગરની નજીકના 25 લોકો સામે કોવિડ 19ની ગાઈડલાઈન,કરફયુ ભંગ અને ખોટી રીતે ભીડ ભેગી કરવાના ગુનામાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસના નાક નીચે આ બુટલેગરે લગ્નનું આયોજન કર્યું હતું. જોકે બુટલેગર કાલુ ભોજન સમારોહનો પંડાળ પોલીસ આવે તે પહેલા છોડીને નાંસી છૂટયો હતો. પાંડેસરા પોલીસે આ સમારોહ યોજવા બદલ 25 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. હવે બુટલેગરોમાં પણ સુરત પોલીસનો ડર નથી રહ્યો તેવુ લાગી રહ્યું છે. સુરત શહેરમાં સતત બનાવો સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આના થોડા સમય પહેલા જ પોતાના ટ્રાન્સફરની પાર્ટી યોજનાર સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ એ.પી શેલૈયાને સસ્પેન્ડ કરાયા હતા. તેમની બદલીને લઈ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ભવ્ય કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા છે.