Charchapatra

ગામડામાં અનેક મોત થાય છે, સરકારને કયાં ખબર છે?

ગાંધીજીના સમયથી ગામડાંઓ ઉપેક્ષિત છે તે આજે કોરોનાની બીજી લહેરમાં સાચું સાબિત થયું છે. ગુજરાતના મુખ્યમંત્રી સૂત્ર આપી રહ્યા છે કે મારું ગામ કોરોનામુકત ગામ. સાહેબ, આ સૂત્રથી કશું વળ્યું નથી. લોકોને નક્કર પગલાંની જરૂર હતી ત્યારે સરકાર સૂત્રોચ્ચારમાં વ્યસ્ત રહી અને હાલ અસંખ્ય ગામડાંનાં ભાઇ બહેનો કોરોના સંક્રમિત થઇ મોતને ભેટયાં. સરકાર અને વહીવટી તંત્ર ત્યારે શહેરીજનોને જ બચાવવામાં વ્યસ્ત હતી. કોરોનાથી મૃત્યુ પામેલા અસંખ્ય ગામોના લોકોની સરકારી દફતરે કોરોનાથી મૃત્યુ પામ્યાં હોવાની નોંધ ન થઇ હશે. ફકત વ્યકિતના ભૂતકાળના રોગને ધ્યાને લઇ મરણનોંધ થઇ હશે. આ ગ્રામીણ લોકોની ક્રૂર મશ્કરી છે. કેટલાં ગામોમાં ટેસ્ટીંગની કાર્યવાહી થઇ? કેટલા લોકો સંક્રમિત થયા? કેટલા લોકોને સિવિલમાં એડમિશન મળ્યાં? પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેનારા ગ્રામિણો તો ફકત 10 ટકા હશે. તેઓ પણ બીલ ચૂકવી ન શકવાથી અડધેથી જ સારવાર છોડી પોતાના ઘરે પાછા ફર્યા. મારા ગણદેવી તાલુકાના તોરણ ગામના કલીયારી ફળિયાની સાચી વાત જણાવું છું.

છેલ્લા પંદરેક દિવસમાં અમારા કલીયારી ગામના ટેકરા ફળિયા તરીકે ઓળખાતા એક મહોલ્લામાં આશરે 6 જેટલા મરણ થયા છે. આ મહોલ્લામાં કોરોનાએ માજી સરપંચ સ્વ. રતિલાલ પટેલનો પણ ભોગ લીધો છે. બે યુવાન ભાઇઓ પણ હોમાયા છે. આ બધાને કારણે ગામમાં ભયનો માહોલ છવાઇ ગયેલો છે. આટલું બધું થયું હોવા છતાં ગામમાં બધાના જે ટેસ્ટ થવા જોઇએ તે થયા નથી. લોકોને જે માર્ગદર્શન વહીવટી અને આરોગ્ય તંત્ર તરફથી મળવું જોઇએ તે મળ્યું નથી. આ અત્યંત દુ:ખદ બાબત છે. આ તો એક જ ગામનો દાખલો છે. ગણદેવી તાલુકાનાં અસંખ્ય ગામોના લોકો મોતને પણ ભેટયા છે અને સંક્રમિત પણ થયાં છે.

ભૂતકાળનાં વર્ષો કરતાં આજે ગામડાઓમાં સુધારો અવશ્ય થયો છે. ઘણી બધી અગવડો છતાં ગામડે લોકો પ્રેમથી વસવાટ કરી રહયા છે. હાલની મહામારીમાં લોકો ભયથી પીડાઇ રહ્યાં છે. આ બધા લોકોને સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જઇને આશ્વાસન આપવું પડશે. લોકોને સૂત્ર આપવાથી શું વળે? દવા આપો, ટેસ્ટ કરો. તાલુકા જિલ્લાના અધિકારીઓ વારંવાર મુલાકાત લે એવું ગ્રામજનો ઇચ્છે છે. ગ્રામ્ય લોકોની ઇચ્છા ફળીભૂત થશે ખરી?
ગણદેવી-રમેશ કે. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top