કોરોના મહામારીને લઈને હાલમાં દેશનું અર્થતંત્ર ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ સમયે સમાચાર આવ્યા કે દુબઈમાં નવો નિયમ આવી રહ્યો છે. હાલમાં કોમર્શિયલ કંપની કાયદા , ૨૦૧૫ ના બીજા નિયમ અનુસાર કોઇ પણ વિદેશી શેરહોલ્ડરો યુએઈમાં બિઝનેસ માટે લિમીટેડ લાયબિલિટી કંપનીમાં મહત્તમ ૪૯ ટકા હિસ્સો ખરીદી શકે છે એટલે કે કોઇ વિદેશી રોકાણકાર કે કંપની યુએઈમાં બિઝનેસ કરવા માંગતી હોય તો તેમને બાકીનો ૫૧ ટકા હિસ્સા માટે સ્થાનિક સ્પોન્સરની જરૂર પડે છે. હવે દુબઈમાં નવા નિયમ અનુસાર વિદેશી કંપનીઓ ૧૦૦ ટકા હિસ્સો ધરાવતી કંપની ખોલી શકશે. આ વ્યવસ્થા ૧ જૂનથી લાગુ પડે છે.
આ સંશોધિત કાયદા લાગુ થયા બાદ ભારતીયો પણ યુએઈમાં પોતાની ૧૦૦ ટકા માલિકીની કંપની ખોલી શકશે. તેઓને કોઈ લોકલ પાર્ટનરની જરૂર પડશે નહીં.હાલની સરકારે ટેકસના કાયદામાં ઘણા સુધારા કયૉ છે પણ હજુ સુધી કંપનીઓને રીફંડ કે ક્રેડિટ માટે સંતોષકારક સહયોગ મળ્યો નથી. એવામાં ભારતીય નાગરિકો અને કંપનીઓ જેઓ ટેક્સની જટિલ વ્યવસ્થાને કારણે ભારતમાં કારોબાર કરવા માગતા નથી, તેઓ દુબઈમાં કંપની ખોલી મળતા ટેક્સની રાહતનો લાભ ઉઠાવી શકશે. જેને કારણે ભારતીય અર્થતંત્ર પર અસર પડશે. આથી હવે સરકારે વહેલી તકે અર્થતંત્ર માટે જટિલ ટેકસ વ્યવસ્થા અંગે વિચારવાનો સમય આવી ગયો છે.
સુરત-સૃષ્ટિ કનક શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.