રોકાણકારો માટે આ વર્ષે દિવાળી (DIWALI) વધારે ધમાકેદાર રહી શકે છે. દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ (PAYTM) આ વર્ષે નવેમ્બરાબરમાં દિવાળીની આસપાસ દેશનો સૌથી મોટો આઇપીઓ (IPO) લાવવાની તૈયારીમાં છે.
બલૂમબર્ગના હેવાલ મુજબ પેટીએમ પ્રાઇમરી માર્કેટમાંથી આશરે 3 અબજ ડૉલર એટલે કે રૂ. 22000 કરોડ એકત્ર કરવા માટે આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. પેટીએમની પેરન્ટ કંપની (PARENT CO)વન 97 કમ્યુનિકેશનના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સ આ આઇપીઓની મંજૂરી આપવા માટે આવતી કાલે 28મીએ બેઠક યોજશે. આ આઇપીઓ મારફત પેટીએમે પોતાનું વેલ્યુએશન (VALUATION) 25 થી 30 અબજ ડૉલર એટલે કે 1.80 લાખ કરોડથી રૂ. 2.20 લાખ કરોડની વચ્ચે રાખવાનું નક્કી કર્યું છે.
પેટીએમના મોટા રોકાણકારોમાં વૉરેન બફેની કંપની બાર્કશાયર હૈથવે, જાપાનની ઇન્વેસ્ટમેન્ટ કંપની સૉફ્ટ બૅન્ક ગ્રૂપ અને ચીની કંપની અલીબાબા (ALIBABA) ગ્રૂપની એન્ટ ગ્રૂપ સામેલ છે. આ આઇપીઓમાં ફ્રેશ શૅર્સની સાથે કંપનીના પ્રમોટર્સ અને હાલના રોકાણકારો (INVESTORS) ઑફર ફૉર સેલ મારફત શૅર જારી કરશે જેથી કેટલીક કંપનીઓને એક્ઝિટનો માર્ગ મળે. વર્તુળોના જણાવ્યા મુજબ પેટીએમે આઇપીઓ માટે જે બૅન્કર્સને પસંદ કરશે એમાં મોર્ગન સ્ટેનલી, સિટી ગ્રૂપ, જેપી મોર્ગન જેવા ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર્સ સામેલ છે. લીડ મેનેજર તરીકે મોર્ગન સ્ટેંલી સૌથી આગળ છે.
સેબીના નિયમો મુજબ આઇપીઓ લાવનાર કંપની પહેલા બે વર્ષમાં 10% હિસ્સો પબ્લિક માટે જારી કરવાનો રહે છે અને આગામી 5 વર્ષમાં એને વધારી 25% કરવાનો રહે છે. એટલે કે પ્રમોટર્સ મહત્તમ 75% હિસ્સો પોતાની પાસે રાખી શકે છે. પેટીએમ પાસે 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર્સ છે અને એના ગ્રાહક દર મહિને 1.4 અબજ સોદા કરે છે. તેની હરીફાઇ વૉલમાર્ટની ફોનપે, ગૂગલ પે, એમેઝોન પે અને વૉટ્સએપ પે સામે છે.
અત્યાર સુધી કૉલ ઇન્ડિયાનો આઇપીઓ સૌથી મોટો, એલઆઇસી આવશે તો એનો સૌથી મોટો હશે
આ વર્ષે જો એલઆઇસીનો આઇપીઓ આવે તો એનો આઇપીઓ સૌથી મોટો હશે. જો કે એ પહેલાં તે આઇડીબીઆઇ બૅન્કમાં પોતાનો હિસ્સો ધીમે ધીમે ઓછો કરશે. અત્યાર સુધી દેશનો સૌથી મોટો આઇપીઓ કૉલ ઇન્ડિયાનો 2010માં રૂ. 15200 કરોડનો આવ્યો હતો. એ અગાઉ અનિલ અંબાણીની રિલાયન્સ પાવરનો આઇપીઓ રૂ. 11000 કરોડનો અને ગયા વર્ષે એસબીઆઇ કાર્ડનો 10335 કરોડ રૂ.નો હતો.