Entertainment

અર્જૂનનું નિશાન પાકું હોય છે

મોડલીંગમાંથી ફિલ્મોમાં આવતા અભિનેતા બહુ મોટા સ્ટાર બન્યા હોય એવા દાખલા ઓછા છે. બંને ફીલ્ડ અલગ છે પણ હા, બંનેમાં કેમેરાનો જ સામનો કરવાનો હોય છે. અર્જૂન રામપાલ મોડલ તરીકે ખૂબ જાણીતો થયો પછી ફિલ્મો તરફ વળ્યો. એને હતું કે હીરો તરીકે પણ જામી જવાશે પણ કયારેક હીરો, કયારેક સહાયક અભિનેતા કયારેક વિલન બનીને તે ટકી ગયો છે જરૂર. એટલું જ નહીં ‘રાૅક આૅન’ની ભૂમિકા માટે તેને બેસ્ટ સર્પોટિંગ એકટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. એકટર હોવાથી સ્ટાર નથી બનાતું.

અર્જૂન રામપાલ સ્વયં પણ આ વાત સમજી ચૂકયો છે અને તેથી જે ફિલ્મો મળે તેની પર ફોકસ કરે છે. તેણે અરુણ ગવળીના જીવનચરિત્રનો આધાર બનાવી ‘ડેડી’ બનાવી ત્યારે તેનો નિર્માતા પણ તે સ્વયં જ હતો. જોકે તે હજુ પણ ફૂલફલેજડ નિર્માતા બનવા તૈયાર નથી. સામાન્યપણે હીરો તરીકે નિષ્ફળ જનારા પછીથી નિર્માતા બની જાય છે. તે એવું જણાવવા દેવા માંગતો નથી કે અભિનેતા તરીકે નિષ્ફળ છે. અને, અત્યારે ય તે ચારેક ફિલ્મોમાં રોકાયો હતો તેનો અભિગમ ખોટો ય નથી.

અર્જૂન એવું જાણે છે કે તે કાંઇ શાહરૂખ, ઋતિક કે રણબીર જેવી ઇમેજ મેળવી શકવાનો નથી સાથે જ એવું પણ જાણે છે કે ફિલ્મોમાં તે હવે જરૂરિયાત બની ચુકયો છે. તેની ફિલ્મોમાંથી કોઇ ૧૦૦ યા ૨૦૦ કરોડની કમાણી કરનારી એકેય નથી પણ એવા તો બીજા ય છે ને તો પણ ચાલે છે. છેલ્લા ૧૦-૧૫ વર્ષોમાં જ તેની ‘આંખે’, ‘દિલ હૈ તુમ્હારા’, ‘ડાૅન’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘હાઉસફૂલ’, ‘રાજનીતિ’, ‘રાવન’ અને ‘કહાની-2’ આવી છે. આ વર્ષે જ તેની ‘નેઇલ પોલીસ’ ઝી-ફાઇવ પર આવી ચુકી છે.

મહેર જેસીયા જેવી ટોપ મોડલને પરણી વીસેક વર્ષના લગ્નજીવન પછી છૂટો પડેલો અર્જૂન અત્યારે ગ્રેબીયેલા નામની તેની ગર્લફ્રેન્ડ સાથે રહે છે ને દોઢેક વર્ષ પહેલાં આ ગ્રેબીયેલા મા પણ બની છે. અર્જૂનની લાઇફ સ્ટાઇલ રસપ્રદ રહી છે અને પરદા પર પણ તે જૂદો દેખાયો છે. મનીષા કોઇરાલા, દીયા મિર્ઝા, ઐશ્વર્યા રાય, પ્રિટી ઝિન્ટા, પ્રિયંકા ચોપરા સહિતની અભિનેત્રી તેની સાથે કામ કરી ચુકી છે.

મતલબ કે તેની સ્ટારવેલ્યુ જરૂર છે પણ તેના નામે ફિલ્મો ચાલી નીકળે એવું નથી. આમ છતાં હમણાં ‘ધ બેટલ ઓફ ભીમા કોરેગાંવ’ જેવી ફિલ્મ તેને લઇને બની રહી છે. અબ્બાસ – મુસ્તાનની ‘પેન્ટ હાઉસ’ માં પણ તે આવશે. કંગના રણૌત સાથેની ‘ધાકડ’માં પણ તે છે ને અપર્ણાસેન અર્જૂન અને કોંકણા સેનની લઇ ‘ધ રેપિસ્ટ ૨૦૨૧’ ફિલ્મ પુરી કરવામાં છે. આ ઉપરાંત ‘બ્લેક કરન્સી’ નામની ફિલ્મ છે જે ભારતમાં બનાવટી ચલણનો ધંધો જે ફાટી નીકળ્યો છે તેના પર ફોકસ કરે છે. ગયા વર્ષે રિતુપર્ણો ઘોષની ‘ધ લાસ્ટ લિયર’ માં તે અમિતાભ સાથે આવ્યો હતો. તે મહત્વના પ્રોજેકટ સાથે સતત સંકળાયા કરે છે. આમ તે રેગ્યુલર હીરો જેવો નથી.

એકશન યા ડાન્સ યા કોમેડીમાં સ્પેશીઅલ નથી છતાં સ્વીકારાયો છે.  ‘રા-વન’માં તો તે નેગેટીવ રોલમાં ય આવ્યો હતો. તે મધુર ભંડારકર, પ્રકાશ ઝા, કરણ જોહર, સાજીદ ખાન, અનુભવસિંહા, નિખીલ અડવાણી, સુધીર મિશ્રા સહિતના દિગ્દર્શક સાથે કામ કરી ચુકયો છે. અર્જૂનને ટી.વી. પર કામ કરવાનો ય વાંધો નથી. દોઢેક વર્ષ પહેલાં ‘ધ ફાઇનલ કપેલ’ નામની વેબસિરીઝમાં આવ્યો હતો. ફિલ્મોમાં તો ભલે મોસ્ટ ડિઝાયરેબલ સ્ટાર’ ન હોય પણ ૨૦૧૨ માં તે ‘મોટર ડિઝાયરેબલ મેન’ તરીકે જાહેર જાહેર થયેલો. કહી શકો કે અર્જૂનના તીર હજુ પણ લક્ષ્ય પર વાગે છે.

Most Popular

To Top