Dakshin Gujarat Main

યાસ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ હવે આટલા દિવસ મોડું પહોંચશે

સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા અઠવાડિયાથી તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પરંતુ બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત સુધી હવે ચોમાસુ પહોંચતા ચાર-પાંચ દિવસ મોડું થઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં હાલમાં આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ચોમાસાની સારી સ્થિતિનું અનુમાન લગાવાયું હતું. આ સાથે જ ૩૦ મે સુધીમાં કેરલમાં ચોમાસું (Monsoon) ઓનસેટ થાય તેવી આગાહી છે. જે મુજબ દક્ષિણ ગુજરાત સુધી ચોમાસુ ૧૦થી ૧૫ તારીખની વચ્ચે આવવાની સંભાવના હતી. પરંતુ યાસ વાવાઝોડાને કારણે વાદળો અને ભેજ સહિત સમગ્ર સિસ્ટમ બંગાળની ખાડી તરફ ખેંચાઇ જતા હવે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું ચાર પાંચ દિવસ લેટ પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. પરંતુ આ વાવાઝોડું ત્રણ-ચાર દિવસમાં નબળું પડ્યા બાદ સચોટ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે.

શહેરમાં ૧૧ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો
સુરત શહેરમાં બુધવારે 11 કિલોમીટરની ઝડપે પશ્ચિમનો પવન ફૂંકાતા બપોર બાદ ઉકળાટમાં આંશિક રાહત મળી હતી. શહેરમાં આજે મહત્તમ તાપમાન એક ડિગ્રી ઘટીને ૩૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 27.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં આજે ૭૩ ટકા ભેજ નોધાયો હતો.

નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું

નવસારી : નવસારીમાં આજે વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ ભેજના ઉંચા પ્રમાણને લીધે બફારો અકળાવનારો રહ્યો હતો. બુધવારે મહત્તમ તાપમાન 1.5 ડિગ્રી ગગડતા 32.5 ડિગ્રી નોંધાયું હતું. જયારે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધતા 26 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88 ટકા હતું. જે બપોર બાદ ઘટીને 79 ટકા જેટલો ઉંચો રહ્યો હતો. આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાન ગગડ્યું હતું. પરંતુ લઘુત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ વધુ રહેતા બફારાથી લોકો અકળાયા હતા. જોકે દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 7.1 કિ.મી. ની પૂરઝડપે પવનોએ ફૂંકાયા હતા.

પશ્ચિમ બંગાળ ઓડિશામાં ભારે વરસાદ

પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે ભારે અસર જોવા મળી રહી છે. ચક્રવાત યાસ ભીષણ ચક્રવાતી ( hurricane) તોફાનમાં ફેરવાયું છે. જેના કારણે ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. સમુદ્રમાં ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. અહીં રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. જેને લઈને બંને રાજ્યો માટે ‘રેડ કોડેડ’ (red coded) ચેતવણી બહાર પાડવામાં આવી છે. યાસના તોફાન સાથે બંગાળમાં ભૂકંપ પણ આવ્યું છે. બુધવારે બપોરે જાલપાઇગુડીમાં 3.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. તેનું કેન્દ્ર માલબાજારમાં 5 કિ.મી. અંદર બતાવાયું છે. સતત વરસાદ બાદ હાવડામાં ગંગા નદીનું સ્તર વધ્યું છે. બેલુર મઠની અંદર નદીનું પાણી ભરાયું છે.

Most Popular

To Top