Dakshin Gujarat

ચોમાસુ શરૂ થાય તે પહેલાં જ નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો, સપાટી 125 મીટરને પાર

રાજપીપળા: સરદાર સરોવરમાં (Sardar Sarovar Dam) પાણીનો જીવંત જથ્થો ચોમાસા પહેલાં 2124 મિલીયન ક્યુબીક મીટર જમા છે. ત્યારે ચોમાસું લંબાય તો પણ ગુજરાતમાં પાણીની કોઈ સમસ્યા નહીં રહે. સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં (Water surface) પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટર પાર કરી ગઈ છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવકના (Water Intake) પગલે હાલમાં સરકારે કરેલા આયોજન મુજબ ગુજરાતના ખેડૂતો માટે 10000 ક્યુસેક જેટલું પાણી મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવે છે. મે મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ હજુ પણ નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 2124 મિલિયન ક્યુબીક મીટર છે જે બતાવે છે કે ગત વર્ષનું ચોમાસું સારું રહ્યું હતું. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ હતી. હાલમાં પણ પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં છે અને ગુજરાતને ભાગે આવતું પાણી ઉપરવાસમાંથી ધીરે ધીરે છોડાઇ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ચોમાસું ખૂબ સારું રહ્યું હતું. જેના કારણે નર્મદા ઘાટીમાં ભરપૂર પાણી આવ્યું હતું. પાણીનો સ્ટોરેજ પણ ભરપૂર છે. ત્યારે જો ચોમાસું લંબાય તો પણ ગુજરાતને કોઈ પણ તકલીફ નહીં પડે. હાલમાં નર્મદા ડેમમાંથી જરૂરિયાત પ્રમાણે જે પાણીનો જથ્થો છે કે ધીરે ધીરે છોડાઈ રહ્યો છે અને તળાવો નદીઓ વગેરે ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વર્ષે ચોમાસું લંબાય તો પણ ગુજરાતને કોઇ પણ તકલીફ ન પડે તેવું સ્પષ્ટ દેખાતાં હાલમાં નર્મદા ડેમનું પાણી કેનાલ મારફતે છોડવામાં આવે છે.

હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 27થી 28 વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તરગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં સુક્કું વાતાવરણ રહેશે. આ ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે ભેજનું પ્રમાણ સવારે 79 અને સાંજે 49 ટકા ઉંચુ રહે છે. ભેજયુક્ત વાતાવરણનાં કારણે લોકો પરસેવે રેબઝેબ થાય છે. ગરમી, બફારાનો અનુભવ થાય છે. જો કે હાલ વૈશાખ મહિનો ચાલી રહ્યો છે ત્યાં જ કમોસમી વરસાદના કારણે ફરી ગુજરાતના કેટલાક શહેરોમાં આવનારા દિવસોમાં ઠંડક પ્રસરે તેવી શક્યતા છે.

Most Popular

To Top