Charchapatra

ખેતી ધન કો નાશ…!?

આ જૂના જમાનાની વાત છે, એક ગામમાં બે ખેડૂત રહે. એકનું નામ મગનલાલ, બીજાનું નામ છગનલાલ. બંનેની જમીનપણ બાજુ બાજુમાં આવી હતી. મગનલાલ ખેડૂત ખુબ મહેનતુ, પરિશ્રમી, તન-મન લગાવીને ખેતી કામ કરાવે, આવી ખેતીનો પાક પણ મબલખ પાકે, ટૂંક સમયમાં મગનલાલ સમૃધ્ધ અને ધનવાન થઇ ગયો, ખેતીનો પાક પણ લીલોછમ લહેરાતો રહે, જયારે તેની બાજુનો ખેડૂત છગનલાલ ખેતી કરાવે પરંતુ ખંતપૂર્વક ધ્યાન ન આપે. ખેતરમાં મજૂરોના ભરોસે કામ સોંપીને ચાલ્યો જાય. છેલ છબીલો હોવાથી ગમે ત્યાં ભટકતો રહે, જેથી ખેતીનો પાક બરાબર ન ઉતરે. આથી ખેતીમાં ખોટ જવા લાગી અને આર્થિક ભીંસમાં આવી ગયો અને હતાશ થઇને તેણે ખેતરની બંગલી પર લખ્યું ખેતી ધન કો નાશ. બીજા દિવસે પડોશી ખેડૂત મગનલાલે આ સૂત્ર વાંચ્યું અને તેમણે સૂત્રની બાજુમાં લખ્યું ‘ધણી (માલિક) ન રહે પાસ તો ખેતી ધન કો નાશ. આ વાંચીને છગનલાલને આત્મજ્ઞાન થયું અને રોજ જાતે ખેતરમાં હાજર રહીને તનતોડ મહેનત કરવા લાગ્યો. સમય જતાં તેની પણ ખેતી પણ સુધરી ગઇ. આવક બમણી થતાં આર્થિક રીતે સમૃધ્ધ અને પૈસાદાર થયો, મૂળ વાત કોઇ પણ કાર્ય જાતે કરો બીજાના ભરોસે છોડી દેવાથી ખોટ નુકસાન વેઠવાનો વારો આવે છે.
તરસાડા- પ્રવીણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top