વડોદરા: 20 વર્ષ થી શિક્ષણ સાથે સંકળાયેલા રાધિકા સોની વડોદરા જિલ્લા ના ડભોઇ તાલુકાના બોરિયાદ ગામે પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા શિક્ષક છે. પ્રજ્ઞા શિક્ષણ એટલે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણની જેઓ શરૂઆત કરી રહ્યાં છે એવા ભૂલકાઓને શિક્ષણ પચાવવા અને શાળા પ્રત્યે લગાવ પેદા કરવાનો અભિગમ જેના પગલે ભૂલકાઓ શાળામાં હોંશે આવતા અને ભણતા થાય છે. તેની સાથે તેમનામાં રહેલી સર્જનાત્મકતા પ્રોત્સાહિત થાય છે. આ રાધિકા બહેને તાજેતરમાં ઘરમાં ઉપલબ્ધ અને ખેતરમાં થી આણેલા વિવિધ શાકભાજી નો ઉપયોગ કરીને ઘરના બાળકો સાથે રમતા રમતા અને એ બાળકોની કલ્પના શક્તિનો વિનિયોગ કરીને ખૂબ સુંદર કલાકૃતિઓ સાવ અચાનક બનાવી કાઢી હતી.
ઘરમાં ઉપલબ્ધ રીંગણ,ચોળી,નાના ટમેટાં,ભીંડા,કાકડી, મરચાં,તુરીયા, ટિંડોળા અને ફૂલો ના ઉપયોગ થી શાકભાજી વેચતો ફેરિયો,શાકભાજી વેચવા આવતી યુવતી, ફૂલદાની જેવી કૃતિઓ એટલી તો આકર્ષક બની કે તેના ચિત્રો જોઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી એ તેની હકારાત્મક નોંધ લીધી. અર્ચનાબેને જણાવ્યું કે સરકારી પ્રાથમિક શાળાઓના પહેલા અને બીજા ધોરણમાં રચનાત્મક શિક્ષણનો પ્રજ્ઞા અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે,રાધિકાબેને જણાવ્યું કે મારી ભત્રીજી ની જીદ થી હું બાળકો સાથે જોડાઈ અને સાવ અનાયાસ આ કૃતિઓ બની ગઈ હતી.