સમય વીતી જશે – Gujaratmitra Daily Newspaper

Charchapatra

સમય વીતી જશે

કોરોનાની પહેલી લહેર અને પછી બીજી લહેરનો કહેર તથા ત્રીજી લહેરની આગાહી ,તેમાં વળી અતિ તાકાતથી ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સર્જેલો વિનાશ, ઈઝરાઈલ અને હમાસ વચ્ચે છેડાયેલા યુદ્ધથી ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા, કોરોનાના કારણે સ્વજનોને ગુમાવવાનું દર્દ ,આર્થિક ભીંસ ,એકલતા જેવી  ચારે બાજુથી ઘેરાયેલી મુસીબતોથી જાણે કે દરેકનો શ્વાસ રુંધાઈ રહ્યો છે. નિરાશાનાં વાદળો એવાં ઘેરાયાં છે કે મન વિચારવા મજબૂર બન્યું છે કે ,શું આ દુઃખનાં વાદળો પાછળથી સુખ અને શાંતિનો સૂરજ નીકળશે ખરો? દરેકની આ ચિંતા વ્યાજબી છે.

પરંતુ આવા સમયે આપણે એ ન ભૂલવું જોઈએ કે કદાચ આ આફતો આપણાં  કર્મોનું જ ફળ હશે. જે હોય તે  બસ અત્યારે માત્ર ઈશ્વર પાસે આ આફતોનો સામનો કરી શકે એટલી સહનશક્તિ મળે તેવી પ્રાર્થના કરવાની છે. આપણને ખબર જ છે કે સમય ક્યારેય એકસરખો રહેતો નથી, તેથી આ કપરો અને ભયાનક સમય પણ ખૂબ જલદી વીતી જશે. દરેક કાળી રાતના અંધકારને ચીરીને સૂરજ નવો પ્રકાશ અને ઉત્સાહ લઈને આવે છે તેમ આ દુઃખનો સમય પણ વીતી જશે અને સુખનો સૂરજ જરૂર ઊગશે. તમે કદાચ અનુભવ કર્યો હશે કે દરેક મુસીબત જીવનમાં કંઈક નવું શીખવી જાય છે તો એમ સમજીને સાંત્વન મેળવીએ કે આપણે ઘણું નવું નવું શીખી રહ્યાં છીએ.

સર્જન અને વિસર્જન એક જ સિક્કાની બે બાજુ છે.જેનું સર્જન થયું છે તેનું વિસર્જન નક્કી જ છે અને હંમેશાં ધાર્યું ધણીનું થાય છે તો પછી મોતથી શા માટે ડરવાનું ?આ જીવન  એ સર્જનહારને સોંપી દો, એણે જે ધાર્યું હશે તે કરશે .બસ આપણે સાવચેતી રાખી એકબીજાને સાચવવાના છે. આ સમયે નાસીપાસ થઈને હિંમત હારી જવાના બદલે ધીરજ ધરવાની છે .જરૂરિયાતમંદોને શક્ય હોય તેટલી ભાવનાત્મક ,માનસિક તથા આર્થિક મદદ કરવાની છે.હવે શું થશે? એને બદલે શું કરી શકાય?એમ વિચારી સંપ અને સહકારથી એકબીજાની હિંમત બની ઊભા રહીશું તો જલ્દીથી  આ સમય પણ વીતી  જશે.

સુરત     – ભાવના વિમલ ઉપાધ્યાય આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top