Vadodara

સફાઈ નહીં થતાં કાઉન્સિલરની સોસાયટી ગેટ પાસે મૃત મરઘાનો વેસ્ટ નાંખી ગયા

          વડોદરા : ગતરાત્રીના સમયે વડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા પાસેના ક્રિષ્ના પેલેસ 2 ના મેઈન ગેટ પાસે કેટલાક અજાણ્યા શખ્સોએ ઈરાદાપૂર્વક મૃત મરઘાંના માંસનો તીવ્ર દુર્ગંધ મારતો કચરો ઠાલવી તેનો વિડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો.આમ અજાણ્યા શખ્સો દ્વારા કરવમાં આવેલ આ કૃત્યને લઈને આ ફ્લેટના સ્થાનિક રહીશોએ વિસ્તારના મહિલા કાઉન્સિલર સાથે ભેગા મળીને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયસર કચરાનો નિકાલ ન કરાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.કોર્પોરેશનની કામગીરીથી કંટાળેલા એક સ્થાનિકે તો મૃત મરઘાંઓનું માંસ ભરેલ કચરા પેટી કોર્પોરેટરના ઘર બહાર ઠાલવીને કહ્યું કે આ અમારો વિરોધ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના નામે ફક્ત મોટી કામગીરી પરજ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર કચરાના ઢગ ખડકાયેલા નજરે પડી રહ્યા છે. જેના કારણે વારંવાર નગરજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોચ્યો છે.શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કચરાનો સમયસર નિકાલ નહીં કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે રોષે ભરાયેલા એક નાગરિકે તો પોતાની હદ વટાવી દીધી હતી.એક સ્થાનિક નાગરિકે અડધી રાત્રે માસ ચિકન-મટન ભરેલ કચરા પેટી ક્રિષ્ના પેલેસ ફ્લેટના ગેટ નંબર 2 કે જ્યાં સ્થાનિક કાઉન્સિલર રહે છે.તેની બહાર ઠાલવી પોતાનો રોષ વ્યકત કર્યો હતો અને બાદમાં વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો.કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ આ બાબતે શરૂઆતમાં માંસનો કચરો કોઈથી અજાણતા પડી ગયો હશે તેમ સમજ્યા હતા.

પરંતુ ફ્લેટના ગેટ પાસે એક ઈસમનો કચરો ફેંકતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પુષ્પાબેને જણાવ્યું હતું કે કોઈક અસામાજિક તત્વ દ્વારા આવેશમાં આવીને સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડા કરવા હિન્ન પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. કેટલાક તત્વો દ્વારા છેલા ઘણા સમયથી તેમને ટાર્ગેટ બનાવી ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.જેથી તેમને સમગ્ર બનાવ અંગે ફતેગંજ પોલીસ મથકે અજાણ્યા શખ્સનો માંસનો કચરો ફેંકતો વાયરલ વિડીયો સુપ્રત કરી પોલીસ ફરિયાદ નોંધાવીને અજાણ્યા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

Most Popular

To Top