Entertainment

હૃદયને ગાતા ગીતો – અંધી પ્રજા, અંધા રાજા

હેએએ…. એ…એ… સુનો રે, સુનો રે, સુનો રે સજજનો
અંધી પ્રજા, અંધા રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા
ટકે શેર જનતા, ટકે શેર નેતા, હમ તો મર ગયે હાયે
જમાને ધત્‌ તેરીકી (૨) અરે અંધી પ્રજા, અંધા રાજા
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, ટકે શેર જનતા, ટકે શેર નેતા
હમ તો મર ગયે હાયે, જમાને ધત્‌ તેરીકી, જમાને ધત્‌ તેરીકી
દેશ કો ખા ગઇ નેતાગીરી, ખેલ કો ખા ગયા સૂખા (૨)
હે…ય દેશકો ખા ગઇ નેતાગીરી, ખેત કો ખા ગયા સૂખા (૨)
અરે ધરમકો ખા ગયે પંડિત મુલ્લા, કરમ હો ગયા ભૂસા (૨)
હે…ય… કૌવે ખાયે… હેએ કયા ભૈયા, કૌવે ખાયે દૂધ મલાઇ
હંસ મરે હાય ભૂખા, જમાને ધત્‌ તેરીકી (૨)
હે રામ રાજ કે ઘાટ પે અબ તો, રહ ગયે કેવલ ઝંડે ઓહ (૨)
અરે ઝંડો કો ભી લે ક ભૈયા ચલે સડક પર… ડંડે (૨)
અરે કૌન દેશકા ધ્યાન કરે… એ… એ. કયા બાત હૈ
કૌન દેશકા ધ્યાન કરે, કયા… સબ હે કુર્સી કે પંડે
જમાને ધત્‌ તેરીકી (૩) ઓઓઓ… ઓઓઓ
દર દર મારી ફીરે સચ્ચાઇ બન કર યહાં ભિખારી
અરે બનકર યહાં ભીખારી હોઓઓ
આજ રાજ કરે મહેલોમેં બૈઠી દગાબાજ મકકારી
દગાબાજ મક્કારી, જિતને દાકતર બઢે. એએએએ
જિતને દાકતર બઢે દેશ મેં, ઉતરી બઢી બિમારી, હાય રે હાય
ઉતની બઢી બિમારી, જમાને ધત તેરીકી (૨)
અરે અંધી પ્રજા અંધા રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
ટકે શેર જનતા, ટકે શેર નેતા, હમ તો મર ગયે હાયે
જમાને ધત્‌ તેરી કી, જમાને ધત્‌ તેરી કી

  • ગીતકાર: નીરજ, ગાયક: મન્ના ડે, સંગીત: સચિન દેવ બર્મન, ફિલ્મ: તેરે મેરે સપને, દિગ્દર્શક: વિજય આનંદ, વર્ષ: ૧૯૭૧, કલાકારો: દેવ આનંદ, મુમતાઝ, હેમામાલિની, વિજય આનંદ, મહેશ કૌલ, તબસ્સુમ, આગા, લીલા મિશ્રા, સપ્રુ, પ્રેમનાથ, જયશ્રી ટી, મુમતાઝ બેગમ, દુલારી

રાજકારણ, શાષન અને શાષકોની ટીકા કરવાનું આપણી ફિલ્મોને બહુ અનુકૂળ નથી આવ્યું. વર્ષો સુધી તો માત્ર આદર્શ નેતાઓના ચરિત્રો જ ફિલ્મોમાં જો આવ્યા તો આવ્યા. હવે રાજનેતાઓ વિલન તરીકે આવે છે પણ તેઓ ય બહુ ફિલ્મી છે. રાજનેતાઓ પર ટીકા કરવા માટે ઊંડી લોક નિસબત અને દૃષ્ટિ જોઇએ. ‘તેરે મેરે સપને’ કાંઇ રાજનીતિ યા શાષકની વાત કરતી ફિલ્મ નહોતી પણ દિગ્દર્શક વિજય આનંદને તક મળી તો નીરજ પાસે ગીત લખાવ્યું. વ્યંગ્ય વડે પ્રહાર કરતું ગીત છે. અને તે સજજનોને સંબોધીને ગવાયું છે. ‘અંધી પરજા (પ્રજા), અંધા રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા’.

શરૂઆત તેમણે પ્રજાને આંધળી કહેવાથી કરી છે કારણકે લોકશાહી દેશમાં પ્રથમ જવાબદારી પ્રજાની છે. જો એજ અંધ હોય તો નેતા પણ આંધળા જ આવવાના. આંધળી પ્રજા ને શું ફરક પડે છે રાજા દેખતો છે કે નહીં? ને તો પછી કોઇનું મૂલ્ય પ્રમાણાય નહીં. ભાજીનો ય ભાવ સરખો ને ખાજાનો ય ભાવ સરખો. દૃષ્ટિ જ ન હોય તો ભેદ કોણ કરે? અને ભેદ જ મટી જાય પછી તો જનતા પણ ટકે શેર ને નેતાઓ પણ ટકે શેર. મૂલ્ય બૂલ્યની વાત જ નહીં. કોઇપણ નેતા બની શકે. ચોર, લુચ્ચા, બેઇમાન, ભ્રષ્ટ, ગુંડા, ડોન કોઇપણ. ને એવું બને તો કહેવું પડે કે ‘હમ તો મર ગયે હાયે….’ ને જમાના પર પણ ધિકકાર છૂટે, ‘જમાને ધત્‌ તેરીકી….’ આ ગીત લખાયું ત્યારે દેશમાં કટોકટી નહોતી આવી પણ રાજકારણ પૂરેપૂરું ગટરની જીવાત જેવું થવામાં હતું. નીરજે આકરા વેણથી ટીકા કરી છે.

‘દેશ કો ખા ગઇ નેતાગીરી, ખેત કો ખા ગયા સૂખા, અરે ધરમકો ખા ગયે પંડિત મૂલ્લા, કરમ હો ગયા ભૂસ….’ જે નેતાગીરીએ દેશનું સંવર્ધન કરવાનું હોય એજ નેતાગીરી દેશને ખાય ગઇ ને જે ખેતરો હતા તેના પાકને અકાલ ખાય ગયો. હજુ પડતી તો કયાં અટકી છે? જે ધર્મ આપણી રક્ષા કરશે એમ ધારતા હતા તે તો પંડિત, મૂલ્લાનો કોળિયો બની ગયો. ઇશ્વરી તત્વના કોઇ એજન્ટ ન હોય પણ ઇશ્વરી જ્ઞાનના નામે અમુક તત્વો એજન્ટ બની ગયા ને એમ ધર્મ પણ ખાય ગયા. ને તો પણ તમે જે કર્મ કરો તે ધર્મ પ્રમાણે તો હોય નહીં, એટલે ભૂસા જેવા કર્મ હોય તો તેની અસર શું? કર્મ ભૂસા સમા તો ઇશ્વર અને ધર્મ પણ ભૂસા જેવા જ બની જાય ને? ધારકમાં જ બળ ન હોય તો તે કોને ધારે? ને આખર એ દશા થાય કે કાગડા હોય તે દૂધ મલાઇ ખાય ને હંસ હોય તે ભૂખ્યા મરે. આજના શાષકો, આજના ધર્મગુરુઓ શું ખરા અર્થમાં પ્રજા અને ધર્મના રક્ષક છે? જમાને ધત્‌ તેરીકી!

અરે વો બન જાયે લીડર… આઆ…. (૨)
અરે ખૂન પસીના એક કરે જો, વો હો જાયે ફટીચર (૨)
કૌન અકલકી બાત કરે એએએ (૨) સબ પર ચઢા શનીચર
જમાને ધત્‌ તેરીકી (૨)
રાત મેં થા વો… કયા? રાત મેં થા વો લીગી ભૈયા
સુબહ બના કોંગ્રેસી, અરે સુબહ બના કોંગ્રેસી (૨)
દલ બદલુને નીતિ નિયમ કી કર દી ઐસી કી તૈસી
એ જિસકી લાઠી, ભેંસ ઉસીકી (૨) કયા હે ડેમોકેસી
જમાને ધત્‌ તેરીકી (૨)
હેએએ હવા ચલી પશ્ચિમકી એસી, કલા હુઇ બેઢંગી (૨)
અરે અંગ્રેજીકા રાગ આલાપે, હિન્દી કી સારંગી (૨)
આઝાદી કે બાલ સંવારે, હાયે કર્જે કી કંધી
જમાને ધત તેરી (૨)

રામના નામે રાજ કરનારા આવ્યા પણ પછી જોયું કે તે તો માત્ર દેખાડો છે, ખાલી ઝંડા છે. રાજનીતિની રમત છે એટલે તે જો સડક પર આવી જાય તો તેની પર પણ ડંડા પડે. હવે તમે જ કહો આવી નરી છેતરામણ હોય તો દેશનું ધ્યાન કોણ રાખશે? જે છે તે તો ખુરશીના પંડા છે, તેમને બીજી કોઇ લેવાદેવા નથી. નેતોય તમે સમજતા નથી જમાને ધત્‌ તેરીકી! આજે તો બન્યું છે એવું કે ગાંધી જે સત્યની વાત કરતા હતા તેની દશા તો ભિખારી જેવી કરી નાંખી છે. સાચનું કોઇ રાજ જ નથી. તેની જગ્યાએ મહેલોમાં બેસી દગાબાજ, મકકાર લોકો રાજ કરે છે. સચ્ચાઇ નહીં મકકારીનું રાજ છે. ને એ પણ સમજી લો કે જેટલા ડોકટર વધ્યા છે આ દેશમાં એટલા રોગ વધ્યા છે. ડોકટરો પાસે તમે સાજાસમા જશો તો પણ રોગ શોધી આપશે. મોટા ડોકટર હશે તો મોટા રોગ શોધશે. બધાએ પોતાના ધંધા ચલાવવાના છે, ભાઇ! આ જમાનો જ એવો થયો છે કારણ કે અંધ પ્રજા ને રાજ પણ અંધ છે. ગીતકાર નીરજે જો કે આગળ પણ પંકિતઓ લખી છે પણ ફિલ્મનો ભાગ નથી બની. પણ તમે ચાહો તો તેના ભાગ બની શકો.

શું આજે પણ આ પંકિત સાચી નથી? અરે હતી તેનાથી વધુ સાચી છે. દશ દશ વર્ષ ટેકસ ન ભરનાર નેતા બને એવું હતું તેનાથી આગળ વધી ગયું છે. ને મોટા કૌભાંડકારો (છાના ને પ્રગટ) તે નેતા બની બેઠા. અને સામાન્ય જનમાંના એ કેટલાંક કે જે લોહી પરસેવો એક કરે છે તેની હાલતો ફટીચર જેવી થઇ ગઇ છે. પણ અત્યારે કોણ સાનની વાત કરે છે, અકકલની વાત કરે? બધા પર જ શનિ ચડી બેઠો છે. અને બીજી હકીકત એ છે કે રાત્રે જે (મુસ્લિમ) લીગમાં હતો તે સવારે કોંગ્રેસી થઇ બેઠો છે. પક્ષ પલટુઓનું એવું જ છે. રાત્રે તૃણમૂલ કોંગ્રેસમાં તે સવારે ભાજપમાં. આ પક્ષપલટુઓએ નીતિ – નિયમની ઐસી કી તૈસી કરી નાંખી છે. આજે તો ડેમોક્રેસી શું છે ને કેવી છે એ પૂછો જ નહીં, જેની લાઠી છે તેની ભેંસ છે. જોરાવરોનું ચાલે છે. હજુ એક અંતરો છે ને તે એવો કે બધાને પશ્ચિમ પ્રમાણે થવું છે. તેમાં કળાઓના કોઇ ઢંગ રહ્યા નથી. જે સારંગી હિન્દીની છે તેની પર અંગ્રેજીનો રાગ વાગે છે. ને હજુ આખરી ટિપ્પણ… આઝાદીના વાળ ઉધારની કાંસકી સમારે છે. મતલબ કે આપણે સ્વતંત્ર છીએ ને સારી પ્રગતિ કરી છે એ દેખાડવા વિદેશી દેવું કરીએ છીએ. જમાને ધત્‌ તેરીકી!                                   બ.ટે.

Most Popular

To Top