દાહોદ: ગુજરાત સરકાર દ્વારા ૨૧મી મેના રોજથી કેટલાક જિલ્લાઓમાં આંશિક છૂટછાટ આપવાના નિર્ણય સાથે દાહોદ જિલ્લામાં આજથી સવારના ૧૦ થી બપોરના ત્રણ વાગ્યા સુધી વેપાર – ધંધા તેમજ વાણિજ્ય પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના નિર્ણય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આજે વહેલી સવારથી જ દાહોદ શહેરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા હાલ પણ કોરોના સંદર્ભે લોકોએ ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર તેમજ સોશિયલ distanceનું પાલન કરવાનું અપીલ કરવામાં આવેલ છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે તેને પગલે જિલ્લાવાસીઓએ તેમજ વહીવટી તંત્રએ પણ રાહતનો દમ લીધો છે.
એપ્રિલના પહેલા અઠવાડિયાથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરે દાહોદ શહેર સહિત જિલ્લામાં હાહાકાર મચાવી નાખ્યો હતો. કોરોનાની અતિ જીવલેણ સાબિત થયેલી કોરોનાની બીજી લહેરમાં ઘરે-ઘરે બિમારીના ખાટલા થઇ ગયા હતા. તેમજ આ મહામારીમાં મૃત્યુઆંકમાં પણ તોતિંગ વધારો થતાં દાહોદના મુક્તિધામમાં દરરોજ 25થી 35 જેટલાં મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા. જોકે એક તબક્કે રેકોર્ડબૅંક એક જ દિવસમાં ૪૫ જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઇને દાહોદ શહેર સહિત જિલ્લામાં ભયની સાથે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
૧૮મી એપ્રિલથી દાહોદ નગરપાલિકા તેમજ વહીવટી તંત્રે પ્રાથમિક ત્રણ દિવસનું મીની લોકડાઉનની જાહેરાત કરી હતી. જોકે કોરોનાના કેસોએ દૈનિક સદી નોંધાવવાનો સિલસિલો શરૂ કરી દેતા એક તબક્કે તો કોરોનાની સમીક્ષા બેઠક લેવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ દાહોદ દોડી આવ્યા હતા. ત્યારે આ સમયગાળા દરમિયાન લોકડાઉનની અવધિમાં વધારો થતાં તેમજ રાજ્ય સરકાર દ્વારા જારી કરતાઆવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ પ્રવૃત્તિઓ દાહોદના બંધ થઈ જવા પામી હતી.ત્યારે હાલ કોરોનાની બીજી લહેર શાંત થતાં કોરોનાના કેસોમાં મહત્તમ ઘટાડો નોંધાતા કોરોનાનો ગ્રાફ ધીરે ધીરે નીચે જવા પામ્યો છે.તેમજ સાથે સાથે દર્દીઓનો રિકવરી રેટ પણ ઉંચો જવા પામ્યો છે. કોરોના ગાઇડલાઇનના શરતોને આધીન સવારના 9 થી બપોરના 3 વાગ્યાં સુધી વાણિજ્ય પ્રવૃત્તિઓમાં છૂટછાટ આપતા દાહોદના બજારો આજથી કોનો ધમધમતા થતાં બજારમાં રોનક જોવા મળી હતી.